ઘમંડ કે બીજું કંઈ? ચોથી T20 પહેલા પંડ્યાએ નિકોલસ પૂરનને આપ્યો ખુલ્લો પડકાર

ભારતે મંગળવારે ત્રીજી T20 મેચમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું. પાંચ મેચોની શ્રેણી હવે 2-1થી બરાબર થઇ છે અને આગળની લડાઈ ખૂબ જ રોમાંચક બનવાની છે. ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ કેરેબિયન ટીમ સામે આગામી મેચમાં સ્પર્ધા એકદમ સંઘર્ષમય થાય તેવી જાહેરાત કરી દીધી છે. ચોથી T20 પહેલા હાર્દિકે નિકોલસ પૂરનને ખુલ્લો પડકાર આપ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T-20માં જીત નોંધાવ્યા પછી થયેલા પ્રેઝન્ટેશન દરમિયાન ભારતીય કપ્તાન હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, નિકોલસ પૂરન છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવતા ભારતને મદદ મળી હતી. હાર્દિકે કહ્યું, 'નિકી (પૂરન) બેટિંગ કરવા મોડો આવ્યો, તેથી તેણે અમને અમારા ઝડપી બોલરોને પાછળથી ઓવર આપવામાં મદદ કરી. સાથે જ અક્ષરે 4 ઓવર બોલિંગ પણ કરી. જો નિકીને હિટ શોટ મારવા જ હોય તો તેને મને મારવા દો, હું આવી પ્રતિસ્પર્ધાનો આનંદ માણું છું, હું જાણું છું કે, તે આ સાંભળશે અને ચોથી T20માં મારી ઓવરમાં જોરથી હિટ મારશે.
અહીં તમને જણાવી દઈએ કે, બીજી T20માં 67 રન બનાવનાર નિકોલસ પૂરન ત્રીજી T20માં 20 રન બનાવીને આઉટ થયો હતો. ગઈકાલની મેચમાં પુરન 11મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો અને 15મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે બીજી T20માં તે ચોથી ઓવરમાં જ બેટિંગ કરવા આવી ગયો હતો. હાર્દિક પંડ્યાએ પણ ગઈકાલની મેચમાં ડેથ ઓવરોમાં પોતાના ઝડપી બોલરોનો ઉપયોગ કર્યો હતો. તેણે શરૂઆતની ઓવરો માત્ર સ્પિનર પાસે જ કરાવી હતી. મુકેશ કુમારને 17 ઓવર સુધી બોલિંગ કરવા આપી ન હતી.
નિકોલસ પૂરન વિશે હાર્દિક પંડ્યાના આ પ્રકારના નિવેદનથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ચોથી T20 મેચનો ઉત્સાહ વધી ગયો છે. ચોથી T20 મેચમાં બંને ટીમ વચ્ચેની સ્પર્ધા વધી ગઈ છે. પાંચ મેચોની શ્રેણી હાલમાં 2-1થી બરાબર છે અને ચોથી T20I 12 ઓગસ્ટે રમાશે. હાર્દિકના આ પ્રકારના નિવેદન પછી નિકોલસ પૂરન તેની બેટથી શું રિએક્શન બતાવે છે તે જોવાનું રહેશે. હાર્દિક અને પૂરન T20 ઇન્ટરનેશનલની 7 ઇનિંગ્સમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે, જેમાં પૂરને હાર્દિક સામે 42 રન બનાવ્યા હતા અને તેની સામે એક વખત આઉટ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp