ઇજાગ્રસ્ત પંડ્યાને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ઇંગ્લેન્ડ સામે રમશે કે નહીં
ઇંગ્લેન્ડ વિરુદ્ધ આ રવિવારે થનારી વર્લ્ડ કપ મેચ અગાઉ ભારતીય ટીમ માટે માઠા સમાચાર સામે આવી છે. હાર્દિક પંડ્યાના પગની ઘૂંટીમાં થયેલી ઇજા હજુ સારી થઈ નથી અને તે વર્લ્ડ કપની આગામી બે મેચ નહીં રમે. તેનો અર્થ હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકા વિરુદ્ધ થનારી મેચમાં પણ ભારતીય ટીમનો હિસ્સો નહીં હોય. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 5 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકા અને પછી નેધરલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ કપની અંતિમ બે લીગ મેચો માટે જ ઉપલબ્ધ હશે.
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ગયા અઠવાડિયે પૂણેમાં બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ દરમિયાન પગની ઘૂંટીમાં ઇજા થયા બાદ હાર્દિક પંડ્યાએ બોલિંગ કરવાની શરૂ કરી નથી. મેડિકલ ટીમ બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં તેને સારો થવા માટે હજુ થોડા દિવસ સુધી રાહ જોશે. તે મુંબઈ કે કોલકાતામાં ભારતીય ટીમ સાથે જોડાય તેવી સંભાવના છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ પંડ્યાની વાપસીમાં ઉતાવળ કરવા માગતુ નથી. ટીમને આશા છે કે અંતિમ બે લીગ મેચ માટે પૂરી રીતે ફિટ થઈ જશે.
આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ અત્યાર સુધી એક પણ મેચ હારી નથી, એવામાં ટીમ મેનેજમેન્ટ પંડ્યા સેમીફાઈનલ માટે પૂરી રીતે ફિટ રહે તેવું ઈચ્છે છે. હાર્દિક પંડ્યા ગત 22 ઑક્ટોબરના રોજ ધર્મશાળામાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ રમ્યો નહોતો અને તેને સારવાર માટે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ અકાદમીમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ઇંગ્લેન્ડના વિશેષજ્ઞ ડૉક્ટરની દેખરેખમાં તેની સારવાર થઈ હતી. શરૂઆતમાં એ વાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ વિરુદ્ધ 29 ઓક્ટોબરના રોજ થનારી મેચ માટે ફિટ થઈ જશે, પરંતુ ટેસ્ટ અને સ્કેન બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે.
હાર્દિક પંડ્યાને બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ દરમિયાન મેચ દરમિયાન બોલિંગ દરમિયાન પગની ઘૂંટીમાં ઇજા થઈ હતી. લિટન દાસના એક ડ્રાઈવને પગથી રોકાવાના ચક્કરમાં પંડ્યાને પગની ઘૂંટીમાં ઇજા થઈ ગઈ હતી. ત્યારબાદ તે લંગડાતો ચાલી રહ્યો હતો. ફિઝિયોએ તેના એંકલમાં પટ્ટી બાંધી હતી. ત્યારબાદ તે બોલિંગ કરી શક્યો નહોતો અને તેની બાકી બચેલી ઓવર વિરાટ કોહલીએ પૂરી કરી હતી. ખેર હવે જોવાનું એ રહેશે કે હાર્દિક પંડ્યા ક્યાં સુધીમાં રિકવર કરી શકે છે અને તે બાબતે BCCI સત્તાવાર ક્યારે અપડેટ આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp