26th January selfie contest

ઇંગ્લેન્ડના પૂર્વ કોચે હાર્દિક પંડ્યાને કેમ કહી દીધો માથાનો દુઃખાવો?

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ (GT) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ લખનૌમાં રમાઈ હતી. આ મેચ અગાઉ ઇંગ્લેન્ડની ટીમના ક્રિકેટર અને પૂર્વ કોચ પોલ કોલિંગવુડે પોતાના એક નિવેદનમાં હાર્દિક પંડ્યાને માથાનો દુઃખાવો કહી દીધો હતો.

કોલિંગવુડે હાર્દિક પંડ્યાના વખાણ કરતા કહ્યું કે, જ્યારે તેઓ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના હેડ કોચ હતા, એ સમયે ભારત વિરુદ્ધ એક સીરિઝમાં હાર્દિક પંડ્યા તેમના માટે માથાનો દુઃખાવો સાબિત થયો હતો. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા પોલ કોલિંગવુડે હાર્દિક પંડ્યાને લઈને કહ્યું હતું કે, તે એક રોકસ્ટાર છે અને સૌથી વધુ મનોરંજક ખેલાડી છે. તે સામેથી નેતૃત્વ કરે છે. જ્યારે અમે ભારત વિરુદ્ધ રમી રહ્યા હતા તો ઇંગ્લેન્ડના કોચના રૂપમાં તેણે મને સૌથી વધારે માથાનો દુઃખાવો આપ્યો.

તે એવો ખેલાડી છે જે પોતાના પ્રદર્શનથી રમતની દિશા બદલી શકે છે અને આ જ વસ્તુ તેને કોઈ પણ વિપક્ષી ટીમ માટે જોખમી બનાવે છે. એ સીઝનમાં હાર્દિક પંડ્યાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી T20 ઇન્ટરનેશનલમાં અડધી સદી બનાવી હતી અને અંતિમ અને નિર્ણાયક મેચમાં પણ 71 રનની ઇનિંગ રમી હતી. આ અગાઉ હાર્દિક પંડ્યાએ વન-ડે સીરિઝમાં કુલ 100 રન બનાવ્યા હતા અને 6 વિકેટ લીધી હતી. ભારતે વન-ડે અને T20 બંને સીરિઝ પોતાના નામે કરી હતી.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડયાએ IPL 2023માં અત્યાર સુધી કુલ 6 મેચ રમી છે. હાર્દિક પંડ્યાએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વિરુદ્ધ 8 રન બનાવ્યા, દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 5, પંજાબ કિંગ્સ વિરુદ્ધ 8 અને રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 28 રન બનાવ્યા અને 1 વિકેટ લીધી. જો લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થયેલી મેચની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ગુજરાતની ઇનિંગની શરૂઆત ખૂબ જ ખરાબ રહી.

પહેલી 2 ઓવરમાં માત્ર 5 રન બનાવ્યા અને બીજી ઓવરના પહેલા બૉલ પર જ ઑપનર શુભમન ગિલે પોતાની વિકેટ ગુમાવી દીધી. ગુજરાત ટાઈટન્સની ટીમ સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 135 રન જ બનાવી શકી. ટીમ તરફથી સૌથી વધુ રન કેપ્ટન હાર્દિક પંડ્યાએ 66 રન બનાવ્યા જ્યારે ઋદ્ધિમાન સાહાએ 47 રન બનાવ્યા. તો 136 રનનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 128 રન જ બનાવી શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp