'હું આ IPLમા 1 ઓવરમાં 4 સિક્સ મારીશ', શું રિયાન પરાગની વાત સાચી પડશે?

PC: twitter.com

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 16મી સીઝન (2023) 31 માર્ચથી શરૂ થઈ રહી છે. આગામી સિઝન માટે ઘણી ટીમોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ગત સિઝનના ફાઇનલિસ્ટ, રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં એક ડગલું આગળ જવા માટે આતુર હશે. જો કે, આ દરમિયાન રાજસ્થાન રોયલ્સનો આ યુવા ખેલાડી રિયાન પરાગ ચર્ચામાં આવી ગયો છે.

રિયાન પરાગે આગામી IPL માટે તેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન લઈને આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તે IPL 16માં રાજસ્થાન માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે એમ છે. જોકે, IPLની આગામી સિઝન શરૂ થાય તે પહેલા તેણે એક એવી જાહેરાત કરી છે કે જેનાથી બોલરોમાં ડરનો માહોલ પેદા થઇ ગયો છે.

રિયાન પરાગે કહ્યું છે કે, તેને એવું લાગે છે કે તે આગામી IPL સિઝનમાં એક ઓવરમાં 4 સિક્સર ફટકારશે. પોતાના એક ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને તેણે લખ્યું, 'આ વખતે મારો અંતરાત્મા મને કહી રહ્યો છે કે, હું આ IPLની એક ઓવરમાં 4 સિક્સર મારીશ.'

પરાગની આ ટ્વિટ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે અને હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે, તે જે અનુભવી રહ્યો છે તે કરી શકશે કે નહીં. અહીં તમને જણાવી દઈએ કે, રિયાન પરાગ લાંબા સમયથી રાજસ્થાન રોયલ્સનો ભાગ છે અને તેણે રાજસ્થાન રોયલ્સ માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ પણ રમી છે. રિયાન પરાગે હાલમાં જ ગુવાહાટી પ્રીમિયર લીગની 12 મેચોમાં 683 રન બનાવ્યા છે અને એટલું જ નહીં, તેણે બેટની સાથે સાથે બોલથી પણ શાનદાર પરિણામ દર્શાવતા 27 વિકેટ ઝડપી છે. તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

રિયાન પરાગના પ્રદર્શનની વાત કરીએ તો તેણે રાજસ્થાન માટે અત્યાર સુધીમાં 47 મેચ રમી છે અને 16.84ની એવરેજથી 522 રન બનાવ્યા છે. પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ કંઈ ખાસ રહ્યો નથી અને આ ફ્રેન્ચાઈઝી માટે ચિંતાનો વિષય છે. આગામી સંસ્કરણ માટે રાજસ્થાન ફ્રેન્ચાઇઝી દ્વારા જાળવી રાખ્યા પછી, પરાગે કહ્યું કે તે ટૂંક સમયમાં ટીમ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp