WCના સ્થળો પર બબાલ, મોહાલી સહિત આ સ્ટેડિયમમાં એકપણ મેચ નહીં, થરૂર કહે-અમદાવાદ...

PC: twitter.com

ICCએ 2023ના ક્રિકેટ વર્લ્ડ કપના શિડ્યૂલની જાહેરાત કરી દીધી છે. 46 દિવસ સુધી ચાલનારી વર્લ્ડ કપની મેચમાં કુલ મળીને 48 મેચ 12 વેન્યૂ પર રમાશે. રાઉન્ડ રોબિન લીગ ફોર્મેટમાં રમનારી આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 12 નવેમ્બરની વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મેચથી થશે. વર્લ્ડ કપ દરમિયાન પ્રેક્ટિસ મેચ સહિત મેચ 12 વેન્યૂ પર થશે. તે હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતા છે. હૈદરાબાદ ઉપરાંત, ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચ રમાશે. જે 12 વેન્યૂને મેચ મળી છે, તેને લઇને નવી બવાલ પણ શરૂ થઈ ગઈ છે.

મોહાલીને મેજબાની ના મળવા પર પંજાબ ક્રિકેટ એસોસિએશન ભડકી ઉઠ્યુ છે. તેમજ, કોંગ્રેસ નેતા શશિ થરૂર પણ તિરુવનંતપુરમને મેજબાની ના મળવા પર સવાલ ઉઠાવી ચુક્યા છે. 2011માં બે વેન્યૂ નાગપુર અને મોહાલીને મેચ મળી હતી. આ વખતે નાગપુરને પણ મેજબાની કરવાની તક નથી મળી. મોહાલી, નાગપુર ઉપરાંત ઇંદોર, રાજકોટ, રાંચી જેવા ઘણા હાઈપ્રોફાઇલ ક્રિકેટ સેન્ટરને મેચ નથી મળી. એમએસ ધોનીની ભારતીય ક્રિકેટ ટીમમાં જે પ્રકારની પોપ્યુલારિટી છે, એવામાં તેના હોમ ગ્રાઉન્ડ રાંચીને મેચ ના મળવાથી ઘણા સ્થાનિક ક્રિકેટ ફેન્સ નિરાશ થયા છે.

BCCIએ પહેલા 12 ક્રિકેટ એસોસિએશનના મેદાનોને પસંદ કર્યા હતા. તેમા અમદાવાદ, દિલ્હી, બેંગલુરુ, ધર્મશાલા, ચેન્નઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, ઇંદોર, રાજકોટ, મુંબઈ સામેલ હતા. ત્યારબાદ ક્રિકેટ એસોસિએશનની માંગ પર 15 વેન્યૂ પર ચર્ચા થઈ અને મોહાલી, પુણે તેમજ તિરુવનંતપુરમના નામ પણ લિસ્ટમાં સામેલ થયા. ત્યારબાદ BCCIએ 10 વેન્યૂ ફાઇનલ કર્યા. પહેલાથી પસંદ કરવામાં આવેલા 12 વેન્યૂમાં ઇંદોર, ગુવાહાટી, રાજકોટને બહાર કરવામાં આવ્યા તેને બદલે પુણેને જગ્યા મળી. તેમજ, તિરુવનંતપુરમની સાથે ગુવાહાટી અને હૈદરાબાદને પ્રેક્ટિસ મેચોની મેજબાની મળી.

પંજાબના ખેલ મંત્રી ગુરમીત સિંહ મીત હાયરે વર્લ્ડ કપ મેચોની મેજબાની કરનારા શહેરોમાં મોહાલીને સામેલ ના કરવા પર ટીકા કરી. તેમણે દાવો કર્યો કે, મેજબાન શહેરોની પસંદગી રાજકારણથી પ્રેરિત છે. ગુરમીત સિંહ મીત હાયરે કહ્યું, મોહાલી ક્રિકેટ સ્ટેડિયમ 1996 અને 2011ના વર્લ્ડ કપની કેટલીક પ્રમુખ મેચોનું મેજબાન રહ્યું છે. પરંતુ, આ વખતે તેને એક પણ મેચની મેજબાનીની તક આપવામા ના આવી. પંજાબના મંત્રીએ રાજકીય હસ્તક્ષેપનો આરોપ લગાવ્યો અને કટાક્ષ કરતા કહ્યું, બધા જાણે છે કે BCCI ની આગેવાની કોણ કરી રહ્યું છે.

જોકે, મોહાલીમાં સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શનને મેચ ના મળવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, પંજાબ ક્રિકેટ એસોસિએશનમાં સતત અસ્થિરતા જોવા મળી છે. 1 વર્ષમાં 3 લોકો ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડન્ટ બની ચુક્યા છે. તેમજ, કોંગ્રેસના નેતા શશિ થરૂર પણ શિડ્યૂલને જોઇને ભડકી ઉઠ્યા. તેમણે વર્લ્ડ કપના શિડ્યૂલને જોતા પોતાના ટ્વિટમાં લખ્યું, એ જોઇને નિરાશા થઈ કે તિરુવનંતપુરમના સ્ટેડિયમ, જેને ઘણા લોકો ભારતમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમ કહે છે, તે વર્લ્ડ કપ 2023ની ફિક્ચચર લિસ્ટમાંથી ગાયબ છે. અમદાવાદ દેશની નવી ક્રિકેટ રાજધાની બની રહ્યું છે, શું એક કે બે મેચ કેરળને ફાળવી શકાતા ન હતા? થરૂરે એવુ પણ કહ્યું કે, કોઈ વેન્યૂને 4 તો કોઇકને 5 મેચ આપવામાં આવી છે. એવામાં આ વેન્યૂને 2 અથવા 3 મેચ આપી શકાતી હતી. તેમજ, અન્ય વેન્યૂને કેટલીક અન્ય મેચ મળી શકતી હતી.

એક તરફ કોંગ્રેસ નેતા શશિ થરૂરે વેન્યૂ પર પોતાની માંગ કહી છે. તેમજ કોંગ્રેસ નેતા અને BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું, પહેલીવાર વર્લ્ડ કપ માટે 12 સ્થાનોને પસંદ કરવામાં આવ્યા છે. આ પહેલા, અગાઉના વર્લ્ડ કપમાં આટલા સ્થાનોને પસંદ કરવામાં નહોતા આવ્યા. આ 12 સ્થાનોમાંથી ત્રિવેન્દ્રમ અને ગુવાહાટીમાં પ્રેક્ટિસ મેચ થશે. તેમજ, અન્ય સ્થાનો પર લીગ મેચ થશે. આ વખતે વધુ કેન્દ્રોને સમાયોજિત કરવામાં આવ્યા છે. રાજીવ શુક્લાએ આગળ કહ્યું, દક્ષિણ ક્ષેત્રમાંથી ચાર સ્થાન, મધ્ય ક્ષેત્રમાંથી એક સ્થાન, પશ્ચિમ ક્ષેત્રમાંથી બે સ્થાન, ઉત્તર ક્ષેત્રમાંથી બે સ્થાનને પસંદ કરવામાં આવ્યા છે. દ્વિપક્ષીય સીરિઝની મેચ મોહાલીને આપવામાં આવશે અને કોઇની સાથે કોઈ ભેદભાવ કરવામાં નહીં આવશે.

ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા વર્લ્ડ કપની મેચોની મેજબાની ના મળવા પર મોહાલી અને ઇંદોર સહિત દેશના પ્રમુખ ક્રિકેટ કેન્દ્રોના અધિકારીઓએ નિરાશા વ્યક્ત કરી છે. ICC અને BCCIએ મંગળવારે વર્લ્ડ કપના શિડ્યૂલની જાહેરાત કરી. જેમા 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી 10 શહેરોમાં મેચ રમાશે. મોહાલી, ઇંદોર, રાજકોટ, રાંચી અને નાગપુરને પણ મેચ નથી મળી. વર્લ્ડ કપ મેચ હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતામાં થશે.

ICC ટૂર્નામેન્ટમાં સામાન્યરીતે મેજબાન આયોજન સમિતિ દ્વારા પ્રસ્તાવિત મેજબાન શહેરોને મંજૂરી આપી દે છે. નિયમિતરીતે આંતરરાષ્ટ્રીય મેચોની મેજબાની કરી રહેલા ઇંદોરને વર્લ્ડ કપની એક પણ મેચ ના મળી. એ વાત પર લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘના અધ્યક્ષ અભિલાષ ખાંડેકરે કહ્યું, ઇંદોરમાં 1987માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની વચ્ચે વર્લ્ડ કપની મેચ થઈ હતી. અમને દુઃખ છે કે, આ વખતે ઇંદોરને બહાર રાખવામાં આવ્યું. ખબર નહીં BCCIની શી મજબૂરી હતી. અમને લાગ્યું હતું કે ઇંદોરને મેચ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp