ભારત મેચ વિનરથી ભરપૂર, પાક. 'સ્વાર્થી' બાબર આઝમ પર આધારિત: પૂર્વ પાક. પ્લેયર

PC: hindi.cricketaddictor.com

પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ પાકિસ્તાન ક્રિકેટ ટીમને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે, બેટ્સમેનોએ તમામ મેચોમાં કેપ્ટન બાબર આઝમ પર નિર્ભર રહેવાને બદલે પોતાની રમતમાં સુધારો કરવાની જરૂર છે. સાથે જ તેણે એમ પણ કહ્યું છે કે, બાબર ટીમના હિત માટે નથી રમતો, તે ફક્ત પોતાના વ્યક્તિગત પ્રદર્શન પર વધુ ધ્યાન આપે છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાનું કહેવું છે કે, પાકિસ્તાનની ટીમ વનડેમાં ભારત જેટલી ખતરનાક દેખાતી નથી. તેણે કેપ્ટન બાબર આઝમને ટીમ માટે રન બનાવવાનું શરૂ કરવા કહ્યું છે. કનેરિયાએ કહ્યું કે, ભારતીય ટીમ મેચ વિનરથી ભરેલી છે, પરંતુ પાકિસ્તાન ત્રણેય ફોર્મેટમાં બાબર આઝમ પર ખૂબ નિર્ભર છે અને તે ફક્ત પોતાના માટે જ રન બનાવે છે.

દાનિશ કનેરિયાએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, જો તમે આ ભારતીય ટીમને જુઓ તો તે મેચ વિનરથી ભરેલી છે. પરંતુ પાકિસ્તાન ત્રણેય ફોર્મેટમાં બાબર આઝમ પર ખૂબ નિર્ભર છે અને તે ફક્ત પોતાના માટે જ સ્કોર કરે છે. બાબર આઝમ પોતાના માટે 50-60 રન બનાવી રહ્યો છે અને તેનાથી ટીમને કોઈ ફાયદો થતો નથી અને તે માત્ર હારી જાય છે. બાબર ક્યારેય ટીમ માટે રન નથી બનાવતો.

દાનિશ કનેરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાસે શોએબ અખ્તર જેવો બોલર નથી જે ગમે ત્યારે વિકેટ લેવાની ક્ષમતા ધરાવતો હોય. અમારી પાસે સઈદ અનવર, આમિર સોહેલ, ઈમરાન ફરહત, તૌફીક ઉમર અને સલમાન બટ્ટ જેવા પ્રભાવશાળી ઓપનર નથી. અમારો મિડલ ઓર્ડર મોહમ્મદ યુસુફ, યુનિસ ખાન અને ઈન્ઝમામ-ઉલ-હક જેવા ખેલાડીઓથી ભરેલો હતો. અબ્દુલ રઝાકના રૂપમાં અમારી પાસે એક મહાન ઓલરાઉન્ડર હતો. વનડેમાં ટીમો અમારાથી ડરતી હતી, પરંતુ હવે એવું નથી.

દાનિશ કનેરિયાએ ન્યૂઝીલેન્ડ સામે બાબર આઝમની આગેવાની હેઠળની ટીમના બેટિંગ પ્રદર્શનની ટીકા કરી હતી. તેણે કહ્યું, શું અમે વનડેમાં કોઈ મોટો સ્કોર બનાવ્યો? કોઈએ બેવડી સદી ફટકારી? શું ત્યાં પ્રભાવશાળી પ્રદર્શન હતું? ના. આપણે આ બધું સમજવું જોઈએ અને ભારત જેવા અન્ય દેશો પાસેથી શીખવાની જરૂર છે, જેઓ તેમના સંજોગોનો લાભ લઈ રહ્યા છે, પરંતુ અહીં આપણે આપણા અનુકૂળ સંજોગોમાં ખુલીને રમવાથી ડર અનુભવીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp