'ભારત પિચ છુપાવી રહ્યું છે', બીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયાનું રડવાનું ચાલુ

PC: aajtak.in

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ શુક્રવારથી દિલ્હીમાં રમાશે. નાગપુર ટેસ્ટ પહેલા પિચને લઈને ઘણો હોબાળો થયો હતો અને હવે ફરી એકવાર દિલ્હી ટેસ્ટ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયા પિચને લઈને હંગામો મચાવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની કેટલીક મીડિયાએ આરોપ લગાવ્યો છે કે, ભારત દિલ્હી ટેસ્ટ માટેની પિચને છુપાવી રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાના 'ધ એજ'નો દાવો છે કે, દિલ્હીના કોટલા મેદાનમાં ક્યુરેટર્સે કેટલાક ઓસ્ટ્રેલિયન પત્રકારોને ફોટોગ્રાફ્સ ક્લિક કરતા અટકાવ્યા હતા. આવું ત્યારે થયું જ્યારે નાગપુર ટેસ્ટ બાદ પિચ આ સિરીઝનો સૌથી ચર્ચિત મુદ્દો બની ગયો છે. કેટલાક અન્ય મીડિયાએ પણ આવો જ દાવો કર્યો છે.

નાગપુર ટેસ્ટ પહેલા જ્યારે પીચની તસવીરો સામે આવી ત્યારે, તે સમયે ભારે હોબાળો થયો હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરોએ પિચ સાથે ચેડા થયાનો આરોપ લગાવ્યો હતો. આ જ કારણ છે કે પિચનો વિવાદ ઘણો પેચીદો થઇ ગયો છે. હવે બધાની નજર દિલ્હીની પીચ પર ટકેલી છે.

એવું માનવામાં આવે છે કે, દિલ્હીની પીચ પણ ખૂબ જ ધીમી ટર્નર હોઈ શકે છે, આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે સંકટ છે. જોકે, ઓસ્ટ્રેલિયન મીડિયાના આરોપો સિવાય દિલ્હીની પીચની તસવીરો બધાની સામે આવી છે. આ સાથે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની મેદાનમાં પિચને તપાસતા ચિત્રો પણ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં પીચને લઈને કરવામાં આવેલા આરોપો ખોટા જણાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, નાગપુરમાં ટર્નિંગ પિચના કારણે કાંગારૂ ટીમની હાલત ખરાબ થઈ ગઈ હતી. ભારતે નાગપુરમાં એક ઇનિંગ્સ અને 132 રને જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 177 રન અને બીજી ઈનિંગમાં 91 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કાંગારૂ ટીમ ભારતના રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની જોડી સામે સંપૂર્ણ રીતે ઝૂકી ગઈ હતી.

પિચ વિશેના અહેવાલો વચ્ચે ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નેટ્સ પર ખૂબ પરસેવો પાડ્યો હતો. તેણે લગભગ 20 મિનિટ સુધી પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન તેણે બોલિંગની સારી પ્રેક્ટિસ કરી હતી. અહીં જણાવી દઈએ કે, મિચેલ સ્ટાર્કનું બીજી ટેસ્ટમાં રમવું ફિક્સ માનવામાં આવી રહ્યું છે. હવે આવી સ્થિતિમાં તે ઓસ્ટ્રેલિયાનું કામ કેટલું સરળ બનાવશે તે તો મેચ શરૂ થયા બાદ જ ખબર પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ભારતીય ટીમ તરફથી પિચને લઈને કોઈ માંગ કરવામાં આવી નથી. પિચને પાણી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. પીચ કેવી હશે, તેનો મૂડ કેવો હશે, અત્યારે તેના વિશે કોઈ અપડેટ નથી.

દિલ્હીના મેદાન પર અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ મેચોમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 342 રનની આસપાસ છે, તે મેચની ચોથી ઈનિંગમાં 165 રન થઈ ગયો છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેવામાં બિલકુલ અચકાશે નહીં. દિલ્હીની પીચમાં ઓછા ઉછાળાને કારણે બેટ્સમેનો માટે અહીં સ્પિન બોલરોનો સામનો કરવો વધુ મુશ્કેલ બની જાય છે.

આ મેદાન પર છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં રમાઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકાની ટીમ શ્રેણીની છેલ્લી ODIમાં માત્ર 99 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ તરફથી કુલદીપ યાદવે 4 જ્યારે વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ અહેમદે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે, ઓસ્ટ્રેલિયન ટીમે 2013ની શ્રેણીમાં છેલ્લી વખત અહીં ટેસ્ટ મેચ રમી હતી. આ મેચમાં જ્યાં તેને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યાં અશ્વિન અને જાડેજાની જોડીએ મેચમાં કુલ 14 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp