એશિયા કપને લઈને ભારત-પાકિસ્તાન વિવાદ ખતમ! ટૂર્નામેન્ટ આ 2 દેશોમાં રમાશે

એશિયા કપ 2023ને લઈને ચાલી રહેલી મડાગાંઠ હવે સમાપ્ત થવાના આરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા પ્રસ્તાવિત 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી આપવા જઈ રહી છે. મંગળવારે (13 જૂન), જય શાહની આગેવાની હેઠળની ACC સત્તાવાર જાહેરાત કરી શકે છે. ભારતે એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની ના પાડી દીધી હતી, જેના કારણે આ ટૂર્નામેન્ટના આયોજન પર સસ્પેન્સ બની રહ્યું હતું.
'હાઈબ્રિડ મોડલ'ને સત્તાવાર મંજૂરી મળ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે આવવાનો રસ્તો સાફ થઈ જશે. આ સાથે પાકિસ્તાનને અમદાવાદમાં મેચ રમવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. હાઈબ્રિડ મોડલ હેઠળ પાકિસ્તાનમાં કુલ 13માંથી ચાર મેચ રમાશે. જ્યારે, ભારત-પાકિસ્તાનની બે મેચ અને બાકીની મેચો શ્રીલંકાની ધરતી પર યોજાશે. એશિયા કપ 1 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાય તેવી શક્યતા છે.
ACC બોર્ડના એક સભ્યએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, 'ઓમાન ક્રિકેટ બોર્ડના વડા પંકજ ખીમજી, ACC એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યોને ઉકેલ શોધવાનું કામ સોંપવામાં આવ્યું હતું કારણ કે મોટાભાગના દેશો 'હાઈબ્રિડ મોડલ' ઇચ્છતા નથી.' પરંતુ હાલમાં, ભારતની ગેરહાજરીવાળા ચાર મેચ- પાકિસ્તાન વિ નેપાળ, બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાન વિ શ્રીલંકા અને શ્રીલંકા વિ બાંગ્લાદેશ- લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં યોજાશે.
જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના CEO જ્યોફ એલાર્ડીસ અને ચેરમેન ગ્રેગ બાર્કલે PCBના અધ્યક્ષ નજમ સેઠીને મળવા કરાચી ગયા ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે, પાકિસ્તાન વર્લ્ડ કપમાં જવા માટે કોઈ શરત નહીં રાખે. એશિયા કપ માટેનું 'હાઇબ્રિડ મોડલ' સૌથી વધુ વ્યવહારુ લાગે છે, કારણ કે તે પાકિસ્તાન માટે કોઈપણ શરતો વિના ODI વર્લ્ડ કપ માટે ભારત જવાનો માર્ગ મોકળો કરશે. ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ આવતા સપ્તાહની શરૂઆતમાં જાહેર થવાની ધારણા છે.
આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે અને તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ ભાગ લેવાના છે. ભારત, નેપાળ અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં રહેશે. બંને ગ્રુપમાંથી બે-બે ટીમ સુપર 4માં પહોંચશે. ત્યારબાદ રાઉન્ડ રોબિન ફોર્મેટ હેઠળ સુપર 4માં કુલ 6 મેચ રમાશે. આ પછી, બે ટીમો ફાઇનલમાં પહોંચશે અને તેમની વચ્ચે ટાઇટલ મેચ રમાશે. આ રીતે એશિયા કપ 2023માં ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp