બૂમરાહ, ઐય્યર, પ્રસિદ્ધ કૃષ્ણા અને કેએલ રાહુલની વાપસી પર આવ્યું મોટું અપડેટ

PC: india.com

ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે વેસ્ટ ઇન્ડીઝમાં ટેસ્ટ સીરિઝ રમી રહી છે. વેસ્ટ ઇન્ડીઝમાં ભારતીય ટીમ 2 મેચોની ટેસ્ટ સીરિઝ બાદ 3 મેચોની વન-ડે અને 5 મચોની T20 સીરિઝ પણ રમશે. હાલમાં ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમે પહેલી ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 144 રને જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમના ઘણા ખેલાડી ઇજાગ્રસ્ત હોવાના કારણે આ પ્રવાસ પર ટીમ સાથે નથી. જો કે, આ દરમિયાન આ ખેલાડીઓની વાપસીને લઈને સારા સમાચાર સામે આવ્યા છે.

ભારતીય ટીમના મુખ્ય ખેલાડી જસપ્રીત બૂમરાહ, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર અને પ્રસિદ્ધ કૃષ્ણા લાંબા સમયથી ઇજાગ્રસ્ત હોવાના કારણે ક્રિકેટથી દૂર છે. જો કે, ફેન્સ કાગડોળે પોતાના પસંદગીના ખેલાડીઓની વાપસીની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફેન્સને ખુશ કરી દેનારો એક રિપોર્ટ સામે આવ્યો છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ, વિકેટકીપર બેટ્સમેન કે.એલ. રાહુલ અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યર ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા 2023 વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ રહેશે.

રિપોર્ટમાં બધા ઇજાગ્રસ્ત ખેલાડીઓને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ, ઑપનર વિકેટકીપર બેટ્સમેન કે.એલ. રાહુલ આ અઠવાડિયાથી બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દેશે. રાહુલ IPL 2023 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ મેચમાં ફિલ્ડિંગ કરવા દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. તો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલિંગ શરૂ કરી દીધી છે. તે ઇજાગ્રસ્ત હોવાના કારણે IPL 2023નો હિસ્સો બની શક્યો નહોતો.

જસપ્રીત બૂમરાહ લાંબા સમયથી પીઠમાં દુઃખાવાના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. તે IPL 2023 અને T20 વર્લ્ડ કપમાં હિસ્સો લઈ શક્યો નહોતો. તો શ્રેયસ ઐય્યર પણ ઇજાગ્રસ્ત હોવાના કારણે IPL 2023માં હિસ્સો લઈ શક્યો નહોતો. જો કે, હવે આ બંને ખેલાડી આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝથી વાપસી કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શ્રેયસ ઐય્યર અને જસપ્રીત બુમરાહ આયરલેન્ડ વિરુદ્ધ સીરિઝ માટે ઉપલબ્ધ રહેશે.

એક રિપોર્ટ મુજબ, ફાસ્ટ બોલર જસપ્રીત બુમારહ લાંબી ઇજાથી બહાર આવ્યા બાદ પોતાની પૂરી ફિટનેસ હાંસલ કરવા નજીક છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, માર્ચમાં પીઠની સર્જરી કરાવ્યા અને બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં સફળતાપૂર્વક રિહેબિલિટેશન બાદ બૂમરાહે ગયા મહિને બોલિંગ ફરીથી શરૂ કરી દીધી છે. સાથે જ તે ધીરે ધીરે પૂરી ક્ષમતાથી બોલિંગ તરફ ફરી રહ્યો છે. NCA પ્રમુખ વી.વી.એસ. લક્ષ્મણની દેખરેખમાં તે પોતાનું રિહેબ કરી રહ્યો છે. તે હાલના દિવસોમાં નેટ્સ પર પૂરા જોશ સાથે બોલિંગ કરી રહ્યો છે. રોજ 8-10 ઓવર બોલિંગ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp