ચેતન શર્માનો ધડાકો, ભારતીય ખેલાડીઓ ફીટ રહેવા ઇંજેક્શન લે છે, કોહલી-ગાંગુલી...

PC: facebook.com/profile.php?id=1008855930

BCCIના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ એક ખાનગી ચેનલ સાથેની વાતમાં મોટો ધડાકો કર્યો છે. ચેતન શર્માએ કહ્યું કે ટીમ ઇન્ડિયાના કેટલાંક ખેલાડીઓ ફીટ રહેવા માટે ફેક ઇંજેકશનનનો ઉપયોગ કરે છે. ખેલાડીઓ એવા ઇંજેકશનનો ઉપયોગ કરે છે જે ડોપિંગ ટેસ્ટમાં પકડાતા નથી.

ભારતીય ક્રિક્રેટ ટીમની ચીફ સિલેક્ટર ચેતન શર્માએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના ફેક ઇંજેકશનથી માંડીને વિરાટ કોહલી, રોહિત શર્મા,સૌરવ ગાંગુલી, હાર્દિક પંડ્યા વિશે પણ વાત કરી છે.

આ સનસનાટીભર્યા ખુલાસા એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતીય ટીમ 17 ફેબ્રુઆરીથી દેશની રાજધાની દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ રમવાની છે અને આ દરમિયાન ટીમ ઈન્ડિયાની પસંદગી બાકીની બે ટેસ્ટ માટે થવાની છે.

હકિકતમાં, વાત એમ બની હતી કે ZEE મીડિયાએ ચેતન શર્માનો એક ઇન્ટરવ્યૂ કર્યો હતો, જેનું સ્ટીંગ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું. ચેતન શર્મા આ વાતથી અજાણ હતો. એણે વાત વાતમાં સ્ફોટક વાત કરી દીધી હતી. ચેતન શર્માએ કહ્યું કે, ભારતીય ક્રિક્રેટરો ફીટ રહેવા માટે ફેક ઇંજેકશન લે છે, એમને ખબર છે કે આ ઇંજેકશન ડોપિંગ ટેસ્ટમાં પકડાતા નથી.

ચેતન શર્માએ આ ઇન્ટરવ્યૂમાં બેહદ કોન્ફિડન્શીયલ વાતો  શેર કરી હતી. તેણે કહ્યું કે, નવા ખેલાડીઓને તક આપવા માટે સિનિયર ખેલાડીઓને બ્રેક આપવાના બહાને આરામ કરવાનું કહેવામાં આવે છે. વિરાટ અને રોહિતને પણ ફરજિયાત આરામ કરવા કહેવામાં આવ્યું હતું.

જસપ્રિત બુમરાહની ફિટનેસ પર ચેતન શર્માએ કહ્યું હતું કે, જસપ્રિત બુમરાહને ગંભીર ઈજા હોવાથી તે ઝુકી શકતો ન હતો. આ સિવાય એક-બે ખેલાડી એવા છે જે ખાનગી રીતે ઈન્જેક્શન લે છે. તે રમવા માટે ફિટ છે તેવું કહેવાની આડમાં ઈન્જેક્શન લે છે. શર્માએ કહ્યું કે, ખેલાડીઓ 80 ટકા ફીટ હોય અને 100 ટકા ફીટ બનાવવા માટે ઇંજેકશનનો ઉપયોગ કરે અને પછી એ રીતે મેદાન પર રમવા આવે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંબંધો પર ચેતન શર્માએ કહ્યુ કે, તેમની વચ્ચે મનદુખ નથી, પરંતુ અહમનો ટકરાવ છે. બંને ફિલ્મ અભિનેતાઓ જેવા છે. તમે કહી શકો કે એક અમિતાભ બચ્ચન છે તો બીજો ધર્મેન્દ્ર.

સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીના વિવાદ વિશે ચેતન શર્માએ કહ્યુ કે, ગાંગુલીએ રોહિતનો પક્ષ નહોતો લીધો, પરંતુ તેને વિરાટ કોહલી પસંદ નહોતો.

ચેતન શર્માએ કહ્યુ કે, વિરાટ કોહલીને લાગ્યું કે BCCI અધ્યક્ષના કારણે તેણે કેપ્ટનશિપ ગુમાવવી પડી. પસંદગી સમિતિની વિડિયો કોન્ફરન્સમાં 9 લોકો હતા, ગાંગુલીએ તેમને એક વખત વિચારવાનું કહ્યું હશે. મને લાગે છે કે કોહલીએ તે સાંભળ્યું ન હતું.

કોહલી અને ગાંગુલી પર ચેતન શર્માએ વધુ એક ખુલાસો કરતા કહ્યું હતું કે, IND vs SA સિરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ ખુલાસો કર્યો હતો કે કેપ્ટન્સી છોડવાની જાહેરાતના 1.30 કલાક પહેલા તેને કહેવામાં આવ્યું હતું કે તે બિનજરૂરી છે. તે સૌરવ પર વળતો પ્રહાર કરવા માંગતો હતો તેથી તેણે કર્યું. સૌરવ ગાંગુલીએ વીડિયો કોન્ફરન્સ દરમિયાન મીટિંગમાં આ ટિપ્પણી કરી હતી. તમામ પસંદગીકારો, બોર્ડના અધ્યક્ષ અને મારા સહિત તમામ હાજર હતા. તે સ્પષ્ટ નથી કે વિરાટે ગાંગુલીની વાત સાંભળી કે નહીં, પરંતુ કોઈપણ રીતે તે તેની અને ગાંગુલી વચ્ચેનો અંગત મામલો છે.

તે સ્પષ્ટ નથી કે કેપ્ટન તરીકે દક્ષિણ આફ્રિકા જતા પહેલા વિરાટે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વિષય કેમ ઉઠાવ્યો. આ વિષય ટીમની ચર્ચા માટે પ્રાસંગિક ન હતો અને વિરાટે તેને શા માટે પસંદ કર્યો તે સ્પષ્ટ નથી. વાસ્તવમાં, 6 થી 9 લોકો વચ્ચે વાતચીત થઈ હતી જે દરમિયાન ગાંગુલીએ આ કહ્યું હતું. એવું લાગે છે કે બોર્ડ અને ખેલાડી વચ્ચે વિવાદ હતો, પરંતુ તે એક ખાનગી બાબત હતી, જે વણઉકેલાયેલી રહી છે.

ચેતન શર્માએ કહ્યુ કે, હું ટીમમાં શુભમન ગીલ, સુર્યકુમાર યાદવ, ઇશાન કિશન, દીપક હુડ્ડા અને અન્ય 15-20 ખેલાડીઓને ટીમમાં લાવ્યો છું.

કેપ્ટન્સી વિશે શર્માએ કહ્યું હતું કે, T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મજબૂત ખેલાડીઓને શુભમન ગિલને તક આપવા માટે 'આરામ' આપવામાં આવે છે. તેણે કહ્યું કે હાર્દિક પંડ્યા લાંબા ગાળે સુકાની પદ સંભાળશે અને રોહિત શર્મા હવે T20 ટીમનો ભાગ રહેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp