ઇજાથી પરેશાન ભારતીય ટીમ, AUS વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં આવી હોય શકે છે પ્લેઇંગ XI

PC: BCCI

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી 4 મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆત થઇ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમે સીરિઝમાં જીત હાંસલ કરવી જરૂરી છે. પહેલી ટેસ્ટ મેચમાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે. એવામાં ભારતીય ટીમની નજરો સીધી નાગપુરમાં થનારી મેચ પર ટકેલી હશે. એક સવાલ એ પણ ઉઠે છે કે પહેલી ટેસ્ટ મેચમાં કોને ચાંસ મળશે. કેપ્ટન રોહિત શર્મા સામે પ્લેઇંગ ઇલેવન પસંદ કરવાનો એક પડકાર હશે કેમ કે ટીમના બે મહત્ત્વના ખેલાડી ઇજાગ્રસ્ત છે અને પ્લેઇંગ ઇલેવનમાં સિલેક્શન માટે ઉપલબ્ધ નથી.

આ જ કારણ છે કે ભારતીય ટીમ સામે પડકાર છે. ભારતીય ટેસ્ટ ટીમના બે મહત્ત્વના ખેલાડી અત્યારે ટીમ સાથે નથી. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ગયા વર્ષના અંતમાં એક્સિડન્ટનો શિકાર થઇ ગયો હતો અને તે હાલમાં મુંબઇની કોકિલાબેન હૉસ્પિટલમાં છે. તે ગત બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમનો હીરો સાબિત થયો હતો, પરંતુ આ સીરિઝનો હિસ્સો નથી. સાથે જ મિડલ ઓર્ડરનો બેટ્સમેન શ્રેયસ ઐય્યર પણ પહેલી ટેસ્ટ મેચ માટે ફિટ નથી અને તે સિલેક્શન માટે ઉપલબ્ધ નહીં હોય.

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ પહેલા જ ઇજાના કારણે ક્રિકેટથી દૂર છે અને ભારતે શરૂઆતી બે ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે, તેમાં તેનું નામ નથી. રોહિત શર્મા સામે પડકાર એ હશે કે શું ઓપનિંગમાં શુભમન ગિલને ઉતારવામાં આવે કે પછી કે.એલ. રાહુલને કેમ કે શુભમન ગિલે ઓપનર તરીકે ત્રણેય ફોર્મેટમાં હાલના દિવસોમાં સારું પ્રદર્શન કર્યું છે, જ્યારે કે.એલ. રાહુલ સંઘર્ષ કરતો નજરે પડી રહ્યો છે. જો કે.એલ. રાહુલ ઓપનિંગ કરે છે તો શુભમન ગિલને મિડલ ઓર્ડરમા જગ્યા મળી શકે છે અને એવામાં સૂર્યકુમાર યાદવે રાહ જોવી પડી શકે છે.

રિષભ પંત નથી એવામાં વિકેટકીપર તરીકે કે.એસ. ભરતને ચાંસ મળી શકે છે જે છેલ્લા કેટલાક પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ સાથે બેકઅપ વિકેટકીપર તરીકે સાથે રહ્યો છે. ભારતીય ટીમની અસલી ચિંતા બોલિંગ યુનિટને સિલેક્ટ કરવામાં હશે કેમ કે ઘરેલુ મેદાન પર સ્પિનને મદદ મળશે તો રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનનું રમવાનું પાક્કું માનવામાં આવી રહ્યું છે, પરંતુ શું ભારતીય ટીમ ત્રીજા સ્પિનર તરીકે અક્ષર પટેલને રમાડશે કે પછી 3 ફાસ્ટ બોલરોને ચાન્સ મળશે. જો અક્ષર પટેલ રમે છે તો મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની જોડી સાથે આગળ વધી શકાય છે, પરંતુ ત્રીજો ફાસ્ટ બોલર આવે છે, તો ઉમેશ યાદવ અને જયદેવ ઉનકટ વચ્ચે રેસ છે.

નાગપુર ટેસ્ટમાં આ હોય શકે છે પ્લેઇંગ XI:

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (ઉપકેપ્ટન), ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ/શુભમન ગિલ, કે.એસ. ભરત, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ/અક્ષર પટેલ.

ઓસ્ટ્રેલિયાનો ભરત પ્રવાસ (ટેસ્ટ સીરિઝનું શેડ્યૂલ):

પહેલી ટેસ્ટ: 9-13 ફેબ્રુઆરી, નાગપુર.

બીજી ટેસ્ટ: 17-21 ફેબ્રુઆરી, દિલ્હી.

ત્રીજી ટેસ્ટ: 1-5 માર્ચ, ધર્મશાળા.

ચોથી ટેસ્ટ: 9-13 માર્ચ, અમદાવાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp