26th January selfie contest

ધોની, પંડ્યા, રોહિતની કેપ્ટનશિપ ધમાલ, પણ આ ખેલાડીઓનું પ્રદર્શન કંગાલ, જુઓ આંકડાઓ

PC: jagranjosh.com

IPLના પોઇન્ટ ટેબલમાં હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ, એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ ટોપ-2 પોઝીશન પર રહી. જ્યારે કૃણાલ પંડ્યાની લખનૌ સુપર જાયન્ટ્સ ત્રીજા અને રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ ચોથા નંબર પર રહી. આ રીતે આ ચારેય ટીમો હાલ ટ્રોફી જીતવાની રેસમાં છે. પરંતુ, IPLની 70 મેચો બાદ આ ચારેય ટીમોના કેપ્ટનનું પરફોર્મન્સ એવુ નથી રહ્યું, જેના માટે તેઓ જાણીતા છે. ધોની ઘણી મેચોમાં નીચેના ક્રમમાં બેટિંગ કરવા આવ્યો છે. હાર્દિકની કેપ્ટનશિપ તો શાનદાર રહી પરંતુ, તેની બેટિંગમાં ત્સુનામી જોવા ના મળી. રોહિત શર્મા પણ એ ફ્લોમાં ના દેખાયો, જેના માટે તે પ્રખ્યાત છે. કૃણાલ પહેલીવાર IPLની કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે.

હાર્દિકની ટીમ ગુજરાત IPLની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2022માં પહેલીવારમાં તેણે IPLનું ટાઇટલ પોતાના નામે કર્યું. હાર્દિકે આ વખતે 13 મેચોમાં માત્ર 221 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 28.90 અને સ્ટ્રાઇક રેટ 130.77 છે. તેની સરખામણી જો તેના અગાઉના પ્રદર્શન સાથે કરીએ તો તે ખૂબ જ ખરાબ છે. હાર્દિકે અગાઉ 15 મેચોમાં 44.27ની એવરેજથી 487 રન બનાવ્યા હતા. હાર્દિકે IPL 2023માં માત્ર 3 વિકેટ લીધી છે. જ્યારે, ગત વર્ષે તેણે 8 વિકેટ લીધી હતી.

IPL 2023માં ધોનીએ 14 મેચોમાં 103 રન બનાવ્યા, ધોનીએ માત્ર 54 બોલનો સામનો કર્યો. 8 વાર તે નોટઆઉટ રહ્યો. ધોની ઘૂંટણની ઈજા સામે પણ IPLમાં ઝઝૂમતો દેખાઈ રહ્યો છે. ધોની પાસે ઘણા ક્રિકેટ એક્સપર્ટે ડિમાન્ડ કરી કે તેણે થોડાં ઉપરના ક્રમ પર આવીને રમવુ જોઈએ. પરંતુ, ધોનીએ દિલ્હી વિરુદ્ધ 10 મે ના રોજ રમાયેલી મેચ બાદ પોતે જ જણાવી દીધુ કે તેને ટીમ મેનેજમેન્ટે કહ્યું છે કે, વધુ ના દોડ કારણ કે, આ ફંડા ટીમ માટે કામ કરી રહ્યો છે.

ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં મથીશા પથિરાના, તુષાર દેશપાંડે જેવા બોલર્સને તૈયાર કર્યા, પોતાની ટીમને ફાઇનલમાં પણ પહોંચાડી. પરંતુ, ધોનીનું આ IPLમાં એક ખેલાડી તરીકે પ્રદર્શન એવુ નથી રહ્યું, જેવી તેની પાસેથી આશા રાખવામાં આવે છે. ધોનીનું બેટ્સમેન તરીકે સૌથી ખરાબ પ્રદર્શન IPL 2021માં હતું, જ્યારે તેણે 16 મેચોમાં 16.28ની એવરેજથી 114 રન બનાવ્યા હતા.

લખનૌ સુપરજાયન્ટ્સની આ IPLમાં કેપ્ટનશિપ કેએલ રાહુલે સંભાળી હતી. પરંતુ, તે ટુર્નામેન્ટની વચમાં ઇન્જર્ડ થઈ ગયો. તેણે 9 મેચોમાં 34.25ની એવરેજ અને 113.22ની સ્ટ્રાઇક રેટથી 274 રન બનાવ્યા. પછી 3 મેના રોજ ચેન્નઈ વિરુદ્ધ કમાન કૃણાલ પંડ્યાએ સંભાળી. પરંતુ, તે આ મેચમાં 0 પર આઉટ થયો. કૃણાલને મેચમાં બોલિંગ કરવાની તક ના મળી કારણ કે, મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. તેણે આ IPLમાં કેપ્ટન તરીકે 5 મેચ રમી છે. તેમા તેને 3 વિકેટ મળી છે અને 58 રન બનાવ્યા છે.

રોહિતે આ IPLમાં અત્યારસુધી 14 મેચોમાં 22.35ની એવરેજથી 313 રન બનાવ્યા છે. રોહિત શર્મા આ દરમિયાન બેવાર ઝીરો પર પણ આઉટ થયો. રોહિતે આ દરમિયાન રન તો બનાવ્યા છે પરંતુ, એ રીતે જરા પણ નહીં જેવી તેની પાસેથી આશા રાખવામાં આવે છે. સુનીલ ગાવસ્કરે તેના પ્રદર્શનને જોતા એ સલાહ આપી હતી કે હિટમેને આરામ કરવો જોઈએ.

ગુજરાત અને ચેન્નઈ વચ્ચે 23 મેના રોજ ક્વોલિફાયર 1 મેચ રમાઈ ગઈ, જેમા જીત સાથે ચેન્નઈ ફાઇનલમાં પહોંચી ગઈ છે. 24 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચ પહેલી એલિમિનેટર મેચ રમાશે. 26 મેના રોજ ક્વોલિફાયર 2 રમાશે, ત્યારબાદ 28 મેના રોજ IPLની ફાઇનલ મેચ રમવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp