જયદેવ ઉનડકટનો ખુલાસો, ભારતીય ટીમમાં વાપસી માટે આ ખેલાડીએ કર્યો પ્રોત્સાહિત

PC: espncricinfo.com

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે 12 વર્ષના લાંબા ઇંતજાર બાદ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી હતી. ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે વાપસી કર્યા બાદ બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ મેચ રમી અને 3 વિકેટ લીધી. જયદેવ ઉનડકટે ખુલાસો કર્યો કે, ચેતેશ્વર પૂજારાએ તેને રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. જયદેવ ઉનડકટે જણાવ્યું કે, ચેતેશ્વર પૂજાર સાથે તેણે ઘણી ભાવુક પળ વિતાવી છે અને રાષ્ટ્રીય ટીમમાં તેની વાપસીથી ભારતીય બેટ્સમેન દિલથી ખુશ હતો.

જયદેવ ઉનડકટે ચેતેશ્વર પૂજારા બાબતે વાત કરતા કહ્યું કે, મેં પહેલી મેચ રમી નહોતી, પરંતુ પહેલી વખત જર્સી પહેરી હતી. પૂજારાએ કહ્યું હતું કે, તું સારો લાગી રહ્યો છે. તે એકદમ દિલથી નીકળ્યું હતું અને હું જોઇ શકતો હતો કે તે મારા માટે કેટલો ખુશ છે. ચેતેશ્વર પૂજારા સાથે રમવું વિશેષ છે. તેણે આટલા વર્ષ મને સતત મહેનત કરવા માટે પ્રોત્સાહિત કર્યો. તે 10 વર્ષ કરતા વધુ સમયથી રાષ્ટ્રીય ટીમનો હિસ્સો છે. હું તેને એ પ્રકારે જોતો હતો કે તે જે પ્રકારે ટીમનો હિસ્સો છે, એવી જ રીતે હું પણ બનવા માગું છું.

જયદેવ ઉનડકટે કહ્યું કે, પૂજારાના કરિયર ગ્રાફે તેને લાંબા સમય સુધી પ્રોત્સાહિત રાખ્યો અને તેનાથી આટલા વર્ષો સુધી મહેનત કરવાનો દમ મળ્યો. પૂજારાએ પોતાના કરિયરમાં ઘણા ઉતાર-ચડાવ જોયા અને ત્યારે જ 98 ટેસ્ટ રમી જે મારા માટે પ્રોત્સાહન ભરી છે. જયદેવ ઉનડકટે બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવની જગ્યાએ પોતાને ચાન્સ મળવાને લઇને પણ મોટી પ્રતિક્રિયા આપી છે. તેના જણાવ્યા મુજબ તે જરાય દબાવમાં નહોતો અને પોતાનું સારું પ્રદર્શન કરવા પૂરી રીતે તૈયાર હતો.

કુલદીપ યાદવે પહેલી ટેસ્ટ મેચમાં કુલ 8 વિકેટ લઇને ભારતીય ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ એ છતા બીજી મેચમાં તેને ડ્રોપ કરી દેવામાં આવ્યો. ઉનડકટને જ્યારે આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે, હું જરાય દબાવમાં નહોતો. જ્યારે તમે આશા રાખો છો અને એ વસ્તુ થઇ જાય છે તો ખૂબ સારું લાગે છે. હું માત્ર પોતાનું યોગદાન આપવા માગતો હતો. જો વિકેટ ન લઇ શકું તો, બીજી તરફથી દબાવ તો બનાવી રાખું. મારો એ જ વિચાર હતો. મને એટલે ચાન્સ મળ્યો કેમ કે મેનેજમેન્ટને લાગ્યું કે આ પીચ મારા માટે યોગ્ય છે. ત્યાંની પરિસ્થિતિ રાજકોટ જેવી જ હતી. વિકેટ પર વધારે પેસ નહોતી. મને ખબર હતી જો મેં પોતાની સ્ટ્રેન્થથી બોલિંગ કરી તો પછી સફળ રહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp