એશીઝ ટેસ્ટમાં હોબાળો, 2 યુવકો પાવડર લઈ પીચ પર આવી ગયા અને પછી જુઓ શું થયું

PC: gbnews.com

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ એશીસ સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમવામાં આવી રહી છે. આ મેચ લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં ચાલી રહી છે. મેચના પહેલા જ દિવસ બુધવાર (28 જૂન)ના રોજ મેદાન પર ખૂબ હંગામો થયો. બે પ્રદર્શનકારી સીધા મેદાનમાં ઘૂસી આવ્યા અને તેમની પાસે ઓરેન્જ પાવડર હતો, જેનાથી તેઓ પિચને ખરાબ કરવા માટે ઝડપથી આગળ વધી રહ્યા હતા. પરંતુ, આ દરમિયાન ઇંગ્લેન્ડના સ્ટાર પ્લેયર જોની બેયરસ્ટોએ એક પ્રદર્શનકારીને પકડી લીધો અને તેને ઉઠાવીને મેદાનમાંથી બહાર લઇ ગયો. પછી સુરક્ષાગાર્ડે પ્રદર્શનકારીને મેદાનમાંથી બહાર કરી દીધો.

જોકે, આ દરમિયાન બીજો પ્રદર્શનકારી પિચને ખરાબ કરવા માટે ઝડપથી આગળ વધ્યો પરંતુ, ખેલાડીઓ અને સુરક્ષા ગાર્ડે તેને રોકી લીધો. આ દરમિયાન પ્રદર્શનકારીએ ઓરેન્જ પાવડરને પિચ પર નાંખવાનો પ્રયત્ન કર્યો પરંતુ, તે મેદાન પર પડી ગયો. જેને તરત જ સાફ કરી દેવામાં આવ્યો. આ સમગ્ર ઘટના દરમિયાન જોની બેયરસ્ટોના કપડાં પણ ખરાબ થઈ ગયા હતા. બેયરસ્ટો તરત જ મેદાનમાંથી બહાર ગયો અને ડ્રેસિંગ રૂમમાં જઈ તરત ટી-શર્ટ બદલીને આવી ગયો.

મેદાનમાં ઘૂસનારી વ્યક્તિએ જસ્ટ સ્ટોપ ઓઇલ અભિયાન અંતર્ગત વિરોધ વ્યક્ત કરવા માટે આવુ કર્યું છે. લંડનમાં હાલ જસ્ટ સ્ટોપ ઓઇલ પ્રદર્શન થઈ રહ્યું છે. આ પ્રદર્શનો અંતર્ગત પ્રદર્શનકારી બ્રિટનની સરકારની નવી તેલ, ગેસ અને કોલસા પરિયોજનાઓનો વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે, સરકાર વહેલામાં વહેલી તકે આ પરિયોજના સાથે સંકળાયેલા લાયસન્સોને તાત્કાલિક પ્રભાવથી રદ્દ કરી દે. લંડનમાં થઈ રહેલા જસ્ટ સ્ટોપ ઓઇલ પ્રદર્શનકારી સરકાર અને સરકારની નીતિઓથી હેરાન છે. તેમનું માનવુ છે કે, સરકારની પર્યાવરણ વિરોધી નીતિઓનું પરિણામ તમામે ભોગવવુ પડશે.

જણાવી દઇએ કે, લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. પહેલી ઓવર જેમ્સ એન્ડરસને કરી, જેમા ડેવિડ વોર્નરે ચોગ્ગો માર્યો હતો. બીજી ઓવર સ્ટુઅર્ટ બ્રોડ લઇને આવ્યો અને સ્ટ્રાઇક પર ઉસ્માન ખ્વાજા હતા. પરંતુ, બીજી ઓવરની પહેલી બોલ નંખાય તે પહેલા જ બંને પ્રદર્શનકારી મેદાનમાં ઘૂસી આવ્યા.

ઓવર પૂર્ણ થયા બાદ વિકેટકીપર જોની બેયરસ્ટો બીજી તરફ જઈ રહ્યો હતો. એ દરમિયાન તેણે એક પ્રદર્શનકારીને પકડી લીધો અને સીધો બહાર લઇ જવા માંડ્યો. બીજો પ્રદર્શનકારી પિચ તરફ આવ્યો પરંતુ, ખેલાડીઓએ તેને રોકી લીધો અને તરત ગાર્ડ પણ આવી ગયો અને તેને પકડી લીધો. આ દરમિયાન તે પ્રદર્શનકારીએ પિચને ઓરેન્જ પાવડરથી ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ, સફળ ના થઈ શક્યો.

આ એક પર્યાવણીય એક્ટિવિસ્ટ ગ્રુપ છે, જે પર્યાવરણ સાથે સંકળાયેલા મુદ્દાઓને ઉઠાવે છે. આ ગ્રુપ પહેલીવાર ગત વર્ષે માર્ચમાં ચર્ચામાં આવ્યુ હતું. આ ગ્રુપ બ્રિટનમાં તેલ અને અન્ય જીવાશ્મ ઇંધણોના એક્સપ્લોરેશન માટે સરકાર તરફથી જાહેર કરવામા આવેલા નવા લાયસન્સનો વિરોધ કરે છે. બ્રિટન સરકારે 2025 સુધી દેશમાં 100 કરતા વધુ નવી તેલ અને ગેસ પરિયોજનાઓ માટે લાયસન્સ આપવાની યોજના બનાવી છે. જસ્ટ સ્ટોપ ઓઇલનું માનવુ છે કે, બ્રિટન સરકારની આ યોજનાઓ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકાર છે જેનું પરિણામ માનવ જાતિએ પેઢીઓ સુધી ભોગવવુ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp