RRને લાગ્યો બેવડો ઝટકો, સૌથી સફળ ખેલાડીને આંગળીમાં થઈ ઇજા

PC: BCCI

રાજસ્થાન રોયલ્સ (RR)એ રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ બીજી જ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. બુધવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)એ અંતિમ ઓવરમાં રાજસ્થાન રોયલ્સને 5 રને હરાવી દીધી. સંજુ સેમસનની કેપ્ટન્સીવાળી રાજસ્થાન રોયલ્સને આ મેચમાં ડબલ ઝટકા લાગ્યા.

એક તરફ જ્યાં ટીમને હારનો સામનો કરવો પડ્યો, તો બીજી તરફ વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલર ઇજાગ્રસ્ત થઈ ગયો છે. બુધવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સની ટીમ પહેલા બેટિંગ કરવા માટે ઉતરી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી છેલ્લી ઓવર જેસન હોલ્ડર નાખી રહ્યો હતો. સ્ટ્રાઈક પર ઉપસ્થિત શાહરુખ ખાને મોટો શૉટ મારવાનો પ્રયાસ કર્યો, જોસ બટલરે ડીપ પોઈન્ટથી દોડ લગાવી અને ડાઈવ લગાવીને કેચ પકડ્યો, પરંતુ આ પ્રયાસમાં તે ઇજાગ્રસ્ત થઈ ગયો.

જોસ બટલરની આંગળીમાં ઇજા થઈ, આ કારણે તેને ટાંકા લગાવવામાં આવ્યા. આ કારણે તે ઓપનિંગ કરવા પણ ન આવ્યો અને તેની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને ઓપનિંગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. સંજુ સેમસને મેચ બાદ જણાવ્યું કે, જોસ બટલરની આંગળીમાં ટાંકા લગાવવામાં આવી રહ્યા હતા, આ જ કારણે બેટિંગ ઓર્ડરમાં બદલાવ કરવા પડ્યા. જોસ બટલર રાજસ્થાન રોયલ્સની બેટિંગની કરોડરજ્જુ છે.

ઑપનર બેટ્સમેન તરીકે તેનું કામ ટીમને સારી શરૂઆત અપાવવાનું છે અને તે છેલ્લી 2 સીઝનથી આ કામને સારી રીતે અંજામ આપી રહ્યો છે. ગત સીઝનમાં તેણે 17 મેચોમાં 863 રન બનાવ્યા હતા અને ઓરેન્જ કેપ પોતાના નામે કરવામાં સફળ રહ્યો હતો. આ વખત પણ રાજસ્થાન રોયલ્સની આ વિસ્ફોટક બેટ્સમેન પાસે એવી જ ઇનિંગ્સની આશા છે. જોસ બટલરની ઇજાના કારણે ટીમની ચિંતા વધારી દીધી છે. રાજસ્થાન રોયલ્સે આગામી મેચ 8 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમવાની છે.

જોસ બટલરની ઇજાને જોતા તેનું મેચ રમવાનું મુશ્કેલ લાગી રહ્યું છે. ટીમ તેને આરામ આપી શકે છે જેથી તે પૂરી રીતે ફિટ થઈને વાપસી કરી શકે. જોસ બટલરની જગ્યાએ ટીમમાં રાજસ્થાન રોયલ્સ કોને ચાંસ આપશે એ તો આગામી મેચમાં જ ખબર પડશે. મેચની વાત કરીએ તો ટોસ હારીને પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા, જ્યારે 198 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 192 રન જ બનાવી શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp