કપિલ દેવે આ ભારતીયના કર્યા વખાણ, કહ્યુ- આ પ્રકારના ખેલાડી સદીમાં એક વાર જ આવે છે

PC: thebridge.in

ભારતે શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચોની T20 સીરિઝમાં 2-1થી જીત મેળવી લીધી છે. શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી T20 મેચમાં સદી ફટકારીને સૂર્યકુમાર યાદવે તહેલકો મચાવી દીધો છે. ચારે બાજુએ સૂર્યકુમાર યાદવની બેટિંગના જ વખાણ કરવામાં આવી રહ્યા છે. તેમજ, હવે ભારતને પહેલીવાર વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનારા કપિલ દેવે પણ સૂર્યકુમાર યાદવના ખૂબ જ વખાણ કર્યા છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કપિલ દેવે કહ્યું હતું કે, સૂર્યકુમાર યાદવ દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન છે જે બોલને ક્લીન હિટ મારવામાં માહેર છે. પૂર્વ મહાન દિગ્ગજ કપિલ દેવે સૂર્યકુમાર યાદવને લઈને કહ્યું કે, રિચર્ડ્સ, પોન્ટિંગ, સચિન જેવા મહાન ખેલાડીઓને મેં બેટિંગ કરતા જોયા છે પરંતુ, સૂર્યકુમાર યાદવ જે રીતે બોલને હિટ કરે છે તે તેને આ તમામ ખેલાડીઓથી અલગ બનાવે છે. સૂર્યકુમારે ખૂબ જ ઓછાં સમયમાં પોતાને મહાન બેટ્સમેનોની શ્રેણીમાં લાવીને મુકી દીધો છે. આવા બેટ્સમેન 100 વર્ષમાં એકવાર આવે છે.

પોતાની વાત રજૂ કરતા કપિલ દેવે કહ્યું હતું કે, ક્યારેક-ક્યારેક મારી પાસે શબ્દો ખૂટી જાય છે કે તેની બેટિંગને લઈને શું કહી શકાય. જ્યારે આપણે સચિન તેંદુલકર, રોહિત શર્મા, વિરાટ કોહલીને જોઈએ છીએ તો આપણને લાગે છે કે એક દિવસ કોઈ એવો ખેલાડી આવશે જે આપણને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે તે પણ આ યાદીનો હિસ્સો છે. ખરેખર, ભારતમાં ઘણુ બધુ ટેલેન્ટ છે અને જે પ્રકારનું ક્રિકેટ તે રમે છે, તે ફાઈન લેગની ઉપરથી શોટ મારે છે, જે બોલર્સને ડરાવવા માટે પૂરતું હોય છે. તે ઊભા-ઊભા મિડ-ઓન અને મિડ-વિકેટ પર છગ્ગો મારી શકે છે. આ જ વાત બોલર્સ માટે મુશ્કેલી ઊભી કરે છે.

ભારતને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા કેપ્ટન કપિલ દેવે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, મેં ડિવિલિયર્સ, વિવિયન રિચર્ડ્સ, સચિન તેંદુલકર, રિકી પોન્ટિંગ જેવા મહાન બેટ્સમેનોને બેટિંગ કરતા જોયા છે પરંતુ, ખૂબ જ ઓછાં લોકો બોલને આટલી સફાઈથી હિટ કરી શકે છે. સૂર્યકુમાર યાદવને સલામ, આ પ્રકારના ખેલાડી સદીમાં એક વાર જ આવે છે.

જણાવી દઈએ કે, સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલ મેચમાં ત્રણ સદી લગાવવામાં સફળ રહ્યો છે. હવે તેનાથી આગળ માત્ર રોહિત શર્મા છે, જેણે T20 ઈન્ટરનેશનલ મેચમાં ચાર સદી ફટકારી છે. આશા કરવામાં આવી રહી છે કે, સૂર્યકુમાર આ જ અંદાજમાં T20માં બેટિંગ કરતો રહેશે તો એ દિવસ દૂર નથી, જ્યારે તે T20 ઈન્ટરનેશનલ મેચમાં રોહિત શર્માની બરાબરી કરવામાં સફળ બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp