કેવિન પીટરસને કોહલીને RCB છોડવાની આપી સલાહ, આ ટીમમાં રમવા માટે કહ્યું

PC: cricketaddictor.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ ગુજરાત ટાઈટન્સ (GT) સામે હારીને પ્લેઓફની રેસથી બહાર થઈ ગઈ. આ હાર સાથે જ વિરાટ કોહલીનું IPL ટ્રોફી જીતવાનું સપનું પણ ફરી એક વખત તૂટી ગયું. તેને લઈને ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી કેવિન પીટરસને પણ એક ટ્વીટ કરી છે, જે આ સમયે ચર્ચાઓની વિષય બની છે. ફેન્સ પણ આ ટ્વીટ પર જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કેવિન પીટરસને શું ટ્વીટ કરી છે.

IPLના ઇતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અત્યાર સુધી એક વખત પણ ટ્રોફી પોતાના નામે કરી શકી નથી. આ વર્ષે ફેન્સને આશા હતી કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અંતિમ લીગ મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી લેશે, પરંતુ તેમની આશાઓ પર ફરી એક વખત પાણી ફરી વળ્યું છે. એવામાં ફેન્સ વિરાટ કોહલી માટે વધારે દુઃખી છે, જેના ભરપૂર પ્રયાસો બાદ પણ ટીમને ઈચ્છા મુજબ પરિણામ મળી રહ્યું નથી. આ દરમિયાન કેવિન પીટરસનની ટ્વીટ ફેન્સના નજરમાં આવી ગઈ છે.

કેવિન પીટરસને વિરાટ કોહલીને બીજી IPL ટીમમાં જવાની સલાહ આપી નાખી છે. તેમણે આ ટ્વીટ દ્વારા વિરાટ કોહલીને દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમમાં સામેલ થવા માટે કહ્યું છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે વિરાટ કોહલી RCB છોડીને કેપિટલ્સની ટીમમાં જાય. કેવિન પીટરસનની આ ટ્વીટ પર ફેન્સ ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક ફેન્સનું કહેવું છે કે વિરાટ કોહલી પોતાની ટીમ માટે ખૂબ વફાદાર છે અને એવું બની નહીં શકે કે તે માત્ર ટ્રોફી માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છોડી દે.

તો વધુ એક ફેને લખ્યું કે, જો વિરાટ કોહલી બીજી ટીમમાં જવા માગે છે, તો તેણે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)માં જવું જોઈએ. મહેન્દ્ર સિંહ ધોની બાદ વિરાટ કોહલીએ આ ટીમની કેપ્ટન્સી સંભાળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી વર્ષ 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયો હતો અને વર્ષ 2013થી તેણે બેંગ્લોરની કેપ્ટન્સી સંભાળી હતી. ગયા વર્ષે તે કેપ્ટન્સીમાંથી હટી ગયો હતો અને તેની જગ્યાએ ફાફ ડુ પ્લેસીસને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે પણ ફેન્સ બેંગ્લોરની ટીમને કોહલીના નામ સાથે જ જોડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp