- Sports
- KKRની હાર બાદ કેપ્ટન રાણાએ આ ખેલાડી અંગે કહ્યુ- તમામ 14 મેચમાં એની જ મેં વાત કરી
KKRની હાર બાદ કેપ્ટન રાણાએ આ ખેલાડી અંગે કહ્યુ- તમામ 14 મેચમાં એની જ મેં વાત કરી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં 2 વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની સફર શનિવારે સમાપ્ત થઈ ગઈ. ટીમ પ્લેઓફ માટે ક્વાલિફાઈ ન કરી શકી અને લીગ સ્ટેજથી જ બહાર થઈ ગઈ. કોલકાતા નાઈટ રાઇડર્સને પોતાની અંતિમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વિરુદ્ધની રોમાંચક મેચમાં હાર મળી. જો કે ટીમના બેટ્સમેન રિંકુ સિંહે એકલાના દમ પર જીત અપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચૂકી ગયો. પોતાની ટીમની હાર છતા કેપ્ટન નીતિશ રાણાએ રિંકુ સિંહના ભરપેટ વખાણ કર્યા અને કહ્યું કે આખી દુનિયાએ જોયું કે તે ક્રિકેટના મેદાનમાં શું કરી શકે છે.

IPL 2023ની 68મી મેચમાં પહેલા બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. 177 રનનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 175 રન જ બનાવી શકી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રિંકુ સિંહ અંત સુધી ટકી રહ્યો. અંતિમ 2 ઓવરોમાં કોલકાતા નાઈટ રાઈડર્સને જીત માટે 41 અને અંતિમ 3 બૉલ પર 18 રનની જરૂરિયાત હતી.

જો કે રિંકુ સિંહે આ 3 બૉલ પર 2 સિક્સ અને એક ફોર લગાવ્યા, પરંતુ 1 રનથી તેની ટીમને હાર મળી. તેણે 33 બૉલમાં નોટઆઉટ 67 રનોની ઇનિંગ રમી હતી. મેચ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાએ કહ્યું કે, રિંકુ સિંહે IPL 2023 માટે ઘણી મહેનત કરી છે અને તેણે બધી 14 મેચોમાં માત્ર તેની બાબતે વાત કરી છે. મને લાગે છે કે 14 મેચમાં મેં કેપ્ટન્સી કરી છે, મેં માત્ર રિંકુ સિંહ બાબતે વાત કરી છે. તે મારી ખૂબ નજીક છે અને મને ખબર છે કે તેણે કેટલું સારું પ્રદર્શન કર્યું છે.

તેણે આગળ કહ્યું કે, હું રિંકુ સિંહ માટે શબ્દોમાં ખોવાઈ ગયો છું. જો તે આ મુશ્કેલ પરિસ્થિતઓમાં આ પ્રકારની બેટિંગ કરી શકે છે, તો તમે જાણો છો કે તે કેટલો સારો છે. રિંકુ સિંહે આ સીઝનમાં પોતાના બેટથી ઘણી યાદગાર ઇનિંગ રમી છે. ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ અંતિમ ઓવરમાં સતત 5 સિક્સ લગાવીને પોતાની ટીમને જીત અપાવી હતી, જે ખાસ પળ રહી. તેણે 14 મેચોમાં 59.25ની એવરેજ અને 149.52ની સ્ટ્રાઈક રેટથી 474 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટથી 4 અડધી સદી પણ આવી. રિંકુ સિંહે 300 કરતા વધુ રન સીઝન દરમિયાન લક્ષ્યનો પીછો કરતા બનાવ્યા, જે દર્શાવે છે કે તેણે દબાવને કઈ રીતે સંભાળ્યો.

