કોહલીએ WTC ફાઈનલ જેવી મેચમાં ટીમની કપ્તાની કરવી જોઈએ, શાસ્ત્રીએ કેમ કહ્યું આવું

PC: abplive.com

ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલી વિશે પોતાના નિવેદનથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે, જો કોઈ કારણસર સુકાની રોહિત શર્મા ઉપલબ્ધ ન હોય તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ જેવી મોટી મેચોમાં વિરાટ કોહલીને કેપ્ટનશિપ સોંપવી જોઈએ. શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે કોહલીને ગયા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસની સ્થગિત રાખવામાં આવેલી છેલ્લી ટેસ્ટમાં ટીમનું સુકાન સોંપવાનું કહેવું જોઈતું હતું, કારણ કે રોહિત તે મેચ માટે ઉપલબ્ધ નહોતો.

શાસ્ત્રીએ કહ્યું, 'આટલી મોટી મેચ માટે હું ઈચ્છું છું કે, રોહિત ફિટ રહે કારણ કે તે કેપ્ટન છે. પરંતુ જો તે કોઈ કારણસર રમી શકતો નથી તો ભારતીય ટીમે તે દિશામાં વિચારવું જોઈએ. તેને પૂછવામાં આવ્યું હતું કે, જો રોહિત નહીં રમે તો કોહલીએ ટીમની કેપ્ટનશીપ કરવી જોઈએ. શાસ્ત્રીએ કહ્યું કે, ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ માટે પણ આવું જ થવું જોઈતું હતું.

તેણે કહ્યું, 'જ્યારે રોહિત ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે મને લાગ્યું કે વિરાટ કેપ્ટન હશે.' તેણે કહ્યું, 'જો હું કોચ હોત તો મેં પણ એવું જ સૂચન કર્યું હોત. મને ખાતરી છે કે રાહુલે (દ્રવિડ) પણ આવું જ કર્યું હશે. મેં તેની સાથે વાત કરી નથી. વિરાટની કપ્તાનીમાં ભારતે શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી હતી. ફાફ ડુ પ્લેસિસની ઈજાને કારણે કોહલી હાલમાં ILPમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે.

ડુ પ્લેસિસ 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે રમી રહ્યો છે. શાસ્ત્રીએ કહ્યું, 'તે પોતાની રમતનો ભરપૂર આનંદ માણી રહ્યો છે. ગયા વર્ષે જ્યારે આપણે વાત કરી રહ્યા હતા કે, શું તેને બ્રેકની જરૂર છે કે નહીં. જાણે આખી દુનિયાનો બોજ તેના ખભા પર હતો, પણ હવે તે ઉર્જા, આનંદ અને ઉત્સાહ સાથે પાછો ફર્યો છે, જે જોઈને સારું લાગે છે.'

મહેન્દ્ર સિંહ ધોની ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્ત થયા પછી કોહલી ટેસ્ટમાં ભારતના સૌથી સફળ કેપ્ટન તરીકે ઉભરી આવ્યો હતો. કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્ષ 2019-21 માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સર્કલની ફાઇનલમાં પહોંચી હતી. જોકે, બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી ફાઇનલમાં કેન વિલિયમસનની ન્યુઝીલેન્ડ ટીમ સામે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની મેલબોર્ન ટેસ્ટ બાદ 2014માં ભારતના ફુલ ટાઈમ કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી. તેણે સાત વર્ષ સુધી ભારતનું નેતૃત્વ કર્યું અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણી હાર્યા બાદ પદ છોડી દીધું.

ભારતીય ટીમને 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે WTCની ફાઈનલ મેચ રમવાની છે, જેના માટે પસંદગીકારોએ 24 એપ્રિલે ટીમ ઈન્ડિયાની જાહેરાત પણ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp