મહાકાલના દરબારમાં પહોંચ્યા ભારતીય ખેલાડીઓ, પંત માટે કરી પ્રાર્થના

PC: zeenews.com

ભારતીય ટીમ હાલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની વનડે સીરિઝ 2-0થી પહેલા જ જીતી ચૂકી છે. હવે ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. આ મેચને જીતીને ભારતીય ટીમ સીરિઝમાં ક્લિન સ્વીપ કરવા ઈચ્છશે. ભારતીય ટીમના કેટલાંક ખેલાડીઓ ઉજ્જૈન પહોંચ્યા હતા અને મહાકાલ મંદિરમાં સવારે થનારી ભસ્મારતીમાં સામેલ થયા હતા. જેમાં સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ સિવાય સપોર્ટ સ્ટાફ પણ સામેલ હતો.

ત્રીજી વનડે મેચ પહેલા ભારતીય ટીમના ખેલાડી ઉજ્જૈનના મંદિરમાં વહેલી સવારે થતી ભસ્મારતીમાં સામેલ થયા હતા. ટીમ ઈન્ડિયાના ખેલાડી પારંપારિક પોશાક પહેરેલા જોવા મળ્યા હતા અને સામાન્ય લોકોની વચ્ચે બેસીને ભસ્મારતી કરી હતી. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ ભગવાન શિવની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.

ભારતીય ટીમના સુપરસ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે કહ્યું કે, અમે રિષભ પંતના જલદીથી સારા થવાની પ્રાર્થના કરી છે. તેનું કમબેક અમારા માટે ઘણું મહત્વનું છે. અમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલા જ સીરિઝ જીતી ચૂક્યા છીએ, હવે માત્ર ફાઈનલ મેચમાં તેમને હરાવવાનું બાકી છે. તેણે કહ્યું હતું કે મહાકાલેશ્વર મંદિરમાં આવીને તેને ઘણું સારું લાગ્યું છે અને તેનું મન શાંત થઈ ગયું છે.

30 ડિસેમ્બર 2022ના દિલ્હીથી રુકડી જતી વખતે રિષભ પંતનો ગંભીર અકસ્માત થયો હતો, જેના પછીથી તે હજુ સુધી હોસ્પિટલમાં છે. તેની સફળ સર્જરી થઈ ગઈ છે અને હાલ રિકવરી મોડમાં છે. પરંતુ તેને મેદાન પર આવતા 6 થી 8 મહિનાનો સમય જરરૂથી લાગી શકે છે. હાલમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ઘણા જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. ભારતે શ્રીલંકા વિરુદ્ધની સીરિઝમાં પણ મહેમાન ટીમનું ક્લીન સ્વીપ કર્યું હતું અને હવે ન્યૂઝીલેન્ડની ટીમ વિરુદ્ધની સીરિઝને પણ ક્લીન સ્વીપ કરવાની તૈયારીમાં છે.

આ વર્ષના ઓક્ટોબર મહિનામાં યોજાનાર વનડે વર્લ્ડનું યજમાન પણ ભારત છે અને હાલના ટીમના ફોર્મને જોઈને સૌને આશા બંધાઈ રહી છે કે 2011ના વર્લ્ડની જેમ આ વર્લ્ડ કપ પણ ભારત પોતાના નામે કરશે. 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ 1983 પછી પહેલી વખત વર્લ્ડ કપ પોતાના ઘરઆંગણે જીત્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp