- Sports
- મોહમ્મદ શમી અમદાવાદમાં બોલ્યો- ગુજરાતમાં મારી પસંદગીનું ભોજન નથી મળતું...
મોહમ્મદ શમી અમદાવાદમાં બોલ્યો- ગુજરાતમાં મારી પસંદગીનું ભોજન નથી મળતું...
ગુજરાત ટાઇટન્સ IPL 2023 પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની. ગુજરાતે સોમવાર, 15 મેના રોજ હૈદરાબાદ સામે રમાયેલી મેચ 34 રને જીતીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ મેચમાં ઝડપી બોલર મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ શાનદાર પ્રદર્શન બાદ ફાસ્ટ બોલરને તેના ડાયટ પ્લાન વિશે પૂછવામાં આવ્યું, જેના પર તેણે ખૂબ જ અનોખો જવાબ આપ્યો.
ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ હૈદરાબાદ સામેની મેચ બાદ ગુજરાતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પર તેની ડાઈટને લઈને સવાલ ઉઠાવ્યા હતા. રવિ શાસ્ત્રીએ સવાલ કર્યો, 'મને કહો કે તમે શું ખાવાનું ખાઓ છો? તમે દિવસે દિવસે મજબૂત થઈ રહ્યા છો. દોઢ મહિનો થઈ ગયો, તાપમાન વધી રહ્યું છે, પણ તમે એકદમ ઝડપી ગતિએ દોડી રહ્યા છો.

આના પર શમીએ ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો, જેણે બધાને ચોંકાવી દીધા. ફાસ્ટ બોલરે કહ્યું, 'હું ગુજરાતમાં છું, મને મારુ ખાવાનું નહીં મળે. પણ ગુજરાતી ખાવાનો આનંદ માણી રહ્યો છું.' જવાબ આપતી વખતે શમીના ચહેરા પર સ્મિત હતું. બોલરનો આ જવાબ સાંભળીને રવિ શાસ્ત્રી પણ હસવા લાગ્યા.
શમીએ મેચ બાદ કહ્યું, 'હું મારી તાકાત પર ધ્યાન આપી રહ્યો હતો અને તેને ચુસ્ત રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું હંમેશા પીચ પર સારા એરિયામાં બોલિંગ કરવાનો પ્રયાસ કરું છું. દિલ્હી સામેની મેચની જેમ, બોલ ફરી રહ્યો હતો. વચ્ચેની ઓવરોમાં મોહિત શર્મા જેવો ફાસ્ટ બોલર હોવો ખુબ જ સારું છે, જે ચતુરાઈથી વિવિધતાનો ઉપયોગ કરે છે.'

હૈદરાબાદ સામે શાનદાર બોલિંગ કરીને ચાર વિકેટ લેનાર મોહમ્મદ શમીએ પોતાના માથાને પર્પલ ટોપીથી સજાવ્યું છે. શમીએ અત્યાર સુધી 13 મેચમાં 16.70ની એવરેજથી 23 વિકેટ ઝડપી છે. આ મામલામાં તેની જ ટીમનો સ્પિનર રાશિદ ખાન પણ 23 વિકેટ સાથે બીજા નંબર પર છે.
અહીં તમને બતાવી દઈએ કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલની શાનદાર સદીની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 9 વિકેટ ગુમાવીને 154 રન જ બનાવી શકી હતી. આ રીતે ટીમને બીજી હાર મળી અને હવે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ, જો આપણે ગુજરાત ટાઇટન્સ વિશે વાત કરીએ, તો તે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે. આ સિઝનમાં પ્લેઓફમાં જનારી તે પ્રથમ ટીમ બની છે.

