ધોનીએ પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા, 2 વર્ષ બાદ ફરી એકવાર પાછો ફર્યો, Video
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન MS ધોની હંમેશા પોતાના ચાહકોમાં છવાયેલો રહે છે. તેણે 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે હવે માત્ર IPLમાં જ રમતો જોવા મળે છે. MS ધોની સોશિયલ મીડિયાની દુનિયાથી ખુબ દૂર રહે છે, પરંતુ 2 વર્ષ પછી તેણે કંઈક એવું કર્યું છે કે, જેના કારણે તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
વિશ્વના સૌથી સફળ કેપ્ટનમાંથી એક MS ધોનીએ 2 વર્ષ પછી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે. MS ધોનીએ આટલા લાંબા સમય પછી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે. તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના ફાર્મ હાઉસ પર ટ્રેક્ટર ચલાવીને ખેતરમાં ખેડાણ કરી રહ્યો છે. ધોનીએ આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું, 'કંઈક નવું શીખવું સારું લાગ્યું, પરંતુ તેને પૂર્ણ કરવામાં ઘણો સમય લાગ્યો.' MS ધોનીએ અગાઉ 8 જાન્યુઆરી 2021ના રોજ છેલ્લી પોસ્ટ કરી હતી.
ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટન MS ધોની સોશિયલ મીડિયા પર ખૂબ ઓછો એક્ટિવ રહે છે. જ્યારે પણ ધોનીના ઘર અથવા ફાર્મ હાઉસનો કોઈ વીડિયો સામે આવે છે, ત્યારે તે ઘણીવાર તેની પત્ની દ્વારા જ હોય છે. વાસ્તવમાં તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં CSK ચાર વખત IPL ટ્રોફી જીતી ચુકી છે. તે IPL 2023માં પણ ચેન્નાઈ તરફથી રમતો જોવા મળશે. અહીં તમને જણાવી દઈએ કે, IPL 2022 પહેલા ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સનું કેપ્ટનપદ પણ છોડી દીધું હતું, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ તેની કમાન સંભાળી હતી, પરંતુ તે પછી ધોની ફરીથી CSK ટીમનો કેપ્ટન બન્યો હતો. આ વખતે પણ તે ટીમની કમાન સંભાળી શકે તેમ છે.
જો આપણે MS ધોનીની વાત કરીએ તો, તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને ત્રણેય ICC ખિતાબ જીતાડ્યા છે અને તે આવું કરનાર એકમાત્ર કેપ્ટન પણ છે. ધોનીએ વર્ષ 2004માં બાંગ્લાદેશ સામે 23 ડિસેમ્બરે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી સપ્ટેમ્બર 2007માં ધોનીને પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. તેણે T20 વર્લ્ડ કપ 2007, વર્લ્ડ કપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013નો ખિતાબ ભારતને જીતાડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp