ભારતની હોમ ટીમ સામે 142 રનથી હારી નેધરલેન્ડ વર્લ્ડકપ ટીમ, 7 ખેલાડી શૂન્ય પર આઉટ

PC: timesofindia.indiatimes.com

બેંગલુરુમાં વર્લ્ડ કપની તૈયારી કરી રહેલી નેધરલેન્ડની ટીમને સોમવારે મોટો ઝટકો લાગ્યો હતો. અલૂરના KSCA મેદાન પર 50-ઓવરની પ્રેક્ટિસ મેચમાં, ભારતની ઘરેલુ ટીમે 142 રનથી પરાજય આપ્યો હતો. આ ટીમ બીજું કોઈ નહીં પણ કર્ણાટકની હતી, જેણે તાજેતરમાં એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ભારતીય પુરૂષ ટીમને હરાવી હતી. 265 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ 123 રનમાં આઉટ થઈ ગઈ હતી.

કર્ણાટકના સ્ટ્રાઈક બોલર વેધવત કરિઅપ્પા અને V કૌશિકે બોલ વડે એવી ધમાલ મચાવી કે નેધરલેન્ડના ટોચના 7 બેટ્સમેનો ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. વેધવતે 8 રનમાં 4 અને V કૌશિકે 10 રનમાં 4 વિકેટ લીધી હતી. 5 ઓવર પછી ટીમનો સ્કોર 7 વિકેટે 3 રન હતો. આ ત્રણ રન પણ બેટમાંથી આવ્યા ન હતા. શારિજ અહેમદ 7 અને આર્યન દત્ત 18એ ઓછી લડત આપી હતી. 14 ઓવર પછી ટીમનો સ્કોર 9 વિકેટે 36 રન થઈ ગયો હતો.

 

રેયાન ક્લેઈન (49) અને પોલ વાન મીકેરેનની જોડીએ 10મી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. આ બંનેએ કર્ણાટકના બોલરો પર પ્રહારો કર્યા હતા. વરસાદ આવે તે પહેલા સ્પિનર શુભાંગ હેગડેએ વેન મીકેરેનને આઉટ કરીને ભાગીદારીનો અંત લાવ્યો હતો. આ પહેલા કર્ણાટકના ઓપનિંગ બેટ્સમેન દેવદત્ત પડિકલે ઈજામાંથી પરત ફરીને શાનદાર અડધી સદી (56) ફટકારી હતી, જ્યારે અનુભવી R. સમર્થે 79 બોલમાં 81 રન બનાવ્યા હતા.

નેધરલેન્ડના મુખ્ય કોચ રેયાન કૂકે બેટ્સમેનોની નિષ્ફળતાનો સ્વીકાર કર્યો હતો. 'વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયા પછી અમે રમી તે પહેલી મેચ હતી અને અમે એક કઠિન ટીમ સામે રમી રહ્યા હતા. તેથી મેચ પ્રેક્ટિસનો અભાવ હતો. મેચમાંથી અમને ઘણું શીખવા મળ્યું. વિક્રમજીત સિંહની ચાર વિકેટ, કાયલનું ઓલરાઉન્ડ પ્રદર્શન અને પોલ (વેન મીકરેન) સાથે તેની છેલ્લી વિકેટની ભાગીદારી દર્શાવે છે કે, અમે 11 નંબર સુધી બેટિંગ કરી શકીએ છીએ.'

નેધરલેન્ડની આ પહેલી પ્રેક્ટિસ મેચ હતી, જેમાં તેને ભારતની હોમ ટીમ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ક્રિકેટ નેધરલેન્ડે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ હાર પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે એક પોસ્ટ કરી અને લખ્યું, 'આજે અમે કર્ણાટક સામે 142 રને હાર્યા છીએ. આ અભિયાનની આ સારી શરૂઆત નથી, પરંતુ અમે અમારો ઉત્સાહ જાળવી રાખીશું, અને એક દિવસ પછી તે જ વિરોધી ટીમ સામે જોરદાર રીતે પરત ફરીશું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp