ભારત ન જવાથી પાકિસ્તાનને કોઈ ફરક નહીં પડે,ભારત સામે ઝેર ઓકતું મિયાંદાદનું નિવેદન

PC: zeenews.india.com

પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાંદાદે ફરી એકવાર ભારત સામે ઝેર ઓકતા કહ્યું છે કે, પાકિસ્તાને આ વર્ષના ODI વર્લ્ડ કપ અને અન્ય મેચો માટે પડોશી દેશમાં ન જવું જોઈએ, જ્યાં સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પોતાની ટીમને પહેલા આપણા દેશમાં મોકલવા માટે રાજી ન હોય. તેમણે કહ્યું કે, ભારતમાં ન જવાથી પાકિસ્તાનને કોઈ ફરક નહીં પડે. ICC દ્વારા તૈયાર કરવામાં આવેલા ODI વર્લ્ડ કપના ડ્રાફ્ટ શેડ્યૂલ મુજબ, પાકિસ્તાનનો ભારત સામે હાઈ-વોલ્ટેજ મુકાબલો 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે.

જોકે, 66 વર્ષીય પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મિયાંદાદનું માનવું છે કે, હવે ભારતનો વારો છે કે તે પાકિસ્તાનનો પ્રવાસ કરે. મિયાંદાદે કહ્યું, 'પાકિસ્તાન 2012 અને ત્યાં સુધી કે 2016માં પણ ભારત ગયું હતું અને હવે અહીં ભારતીયોનો આવવાનો વારો છે. જો મારે નક્કી કરવું હોય તો, હું ક્યારેય પણ કોઈ પણ મેચ રમવા ભારત જઈશ નહીં, ત્યાં સુધી કે વર્લ્ડ કપ પણ નહીં. અમે તેમની (ભારત) સાથે રમવા માટે હંમેશા તૈયાર રહીયે છીએ, પરંતુ તેઓ ક્યારેય સરખી રીતે જવાબ આપતા નથી.'

મિયાંદાદે કહ્યું, 'પાકિસ્તાન ક્રિકેટ મોટું છે... અમે હજુ પણ ગુણવત્તાયુક્ત ખેલાડીઓ પેદા કરી રહ્યા છીએ. તેથી મને નથી લાગતું કે જો અમે ભારત નહીં જઈએ તો તેનાથી અમને કોઈ ફરક પડશે.' ભારત છેલ્લે 50 ઓવરના એશિયા કપ માટે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચેના તણાવને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ રમાતી નથી.'

મિયાંદાદનું માનવું છે કે, રમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ. તેણે કહ્યું, 'મેં હંમેશા કહ્યું છે કે કોઈ વ્યક્તિ પોતાના પાડોશીને સિલેક્ટ કરી શકતો નથી, તેથી એકબીજા સાથે સહકાર કરવો એ વધુ સારું છે. મેં હંમેશા કહ્યું છે કે, ક્રિકેટ એક એવી રમત છે જે લોકોને નજીક લાવે છે અને દેશો વચ્ચેની ગેરસમજ અને ફરિયાદો દૂર કરી શકે છે.'

મિયાંદાદની પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાનને 'હાઇબ્રિડ મોડલ' હેઠળ આગામી એશિયા કપની યજમાની કરવાની ફરજ પડી રહી છે અને ભારત તેની તમામ મેચ શ્રીલંકામાં રમશે. મિયાંદાદ, જેઓ ભારતના સતત કટ્ટર ટીકાકાર રહ્યા છે, તે આ નિર્ણયથી ખુશ નથી. તેણે કહ્યું, 'એવું માનવામાં આવતું હતું કે, તેઓ એક વખત પણ એશિયા કપ માટે પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલે, તેથી હવે સમય આવી ગયો છે કે આપણે પણ કડક વલણ અપનાવીએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp