IPLના પૈસા નહીં, દેશ માટે ટેસ્ટ રમવું પ્રાથમિકતા: સ્ટાર્ક, શું ભારતીય શીખ લેશે?

વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંના એક મિશેલ સ્ટાર્કે IPL સહિતની ફ્રેન્ચાઈઝી ક્રિકેટથી પોતાને દૂર રાખ્યો છે અને તે માને છે કે, ઓસ્ટ્રેલિયા માટે રમતી વખતે તે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માંગે છે. ડાબા હાથના બોલર માટે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમવું તેની પ્રાથમિકતાઓમાંની એક છે અને તેને આશા છે કે યુવા ક્રિકેટરો ભવિષ્યમાં પણ આવું જ વિચારશે.
મિશેલ સ્ટાર્કના ઘણા સાથી ખેલાડીઓ IPL, બિગ બેશ સહિત વિશ્વની ટોચની T20 લીગમાં રમી રહ્યા છે, પરંતુ સ્ટાર્ક તેનાથી દૂર રહ્યો છે. સ્ટાર્ક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ જોવા મળ્યો હતો અને તેણે કાંગારૂ ટીમને ભારત સામે જીત અપાવી હતી. જોકે તેની પત્ની એલિસા હીલી મહિલા IPLની પ્રથમ સિઝનમાં ઉતરી હતી. મિચેલ સ્ટાર્કે મીડિયા સૂત્રોને જણાવ્યું હતું કે, મને IPL સારું લાગ્યું, અને યોર્કશાયર માટે કાઉન્ટી ક્રિકેટ રમવું પણ, પરંતુ ઓસ્ટ્રેલિયા માટે રમવું મારી પ્રાથમિકતા છે. મને તેનો કોઈ અફસોસ નથી. પૈસા તો આવતા જતા રહેશે, પરંતુ મને મળેલી તકો માટે હું મારી જાતને નસીબદાર માનું છું.
મિચેલ સ્ટાર્કે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ 100થી વધુ વર્ષોથી રમાય છે અને ઓસ્ટ્રેલિયા માટે 500થી ઓછા પુરૂષ ખેલાડીઓ રમે છે, જે તેને પોતાનામાં ખાસ બનાવે છે. અહીં તમને જણાવી દઈએ કે, મોટાભાગના ભારતીય ખેલાડીઓ IPL રમ્યા પછી ફાઈનલ રમવા આવ્યા હતા અને તેઓ થાકેલા પણ દેખાઈ રહ્યા હતા.
મિચેલ સ્ટાર્કે કહ્યું કે, મારામાં રહેલો એક પરંપરાવાદી આશા રાખે છે કે, છોકરા-છોકરીઓની આવનારી પેઢી ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતા આપશે. ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં એટલા પૈસા છે કે, તેનું વર્ચસ્વ દેખાઈ આવે છે. સ્ટાર્ક 2015માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી IPL રમ્યો હતો. તેણે કહ્યું કે, હું ફરીથી IPL રમવા માંગુ છું, પરંતુ મારું લાંબા ગાળાનું લક્ષ્ય ઓસ્ટ્રેલિયા માટે સારું રમવાનું છે, પછી ભલે તે કોઈપણ ફોર્મેટ હોય.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ ઓવલમાં ભારતને 209 રને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. આ સાથે કાંગારૂ ટીમ ICCના તમામ ખિતાબ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. સ્ટાર્કની પત્ની એલિસા હીલી પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તેણે 2 વખત ODI વર્લ્ડ કપ અને 6 વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી રવિ શાસ્ત્રીથી લઈને સુનીલ ગાવસ્કરે મોટી ઈવેન્ટ પહેલા ખેલાડીઓના વર્કલોડ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ IPL પર પણ નિશાન સાધ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp