કોહલી-રોહિત, શમી-રાહુલ નહીં, ગંભીરે આ ખેલાડીને ગણાવ્યો વર્લ્ડ કપનો 'ગેમ ચેન્જર'

PC: crictoday.com

વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદના પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા તેની ત્રીજી વર્લ્ડ કપ ટ્રોફી જીતવા પર નજર રાખશે, ત્યારે કાંગારુ ટીમ તેનો રેકોર્ડ છઠ્ઠો વર્લ્ડ કપ જીતવા ઈચ્છશે. આ મેચ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના એક ખેલાડી વિશે એક મોટી વાત કહી છે. આ ખેલાડી વિશે ગંભીરનું માનવું છે કે, તે વર્લ્ડ કપ 2023નો સૌથી મોટો 'ગેમ ચેન્જર' છે અને ફાઈનલ મેચમાં ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું માનવું છે કે, શ્રેયસ અય્યર વર્લ્ડ કપ 2023નો સૌથી મોટો 'ગેમ ચેન્જર' છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ ગંભીરે શ્રેયસ અય્યર વિશે કહ્યું, 'મારા માટે શ્રેયસ અય્યર આ વર્લ્ડ કપનો સૌથી મોટો ગેમ ચેન્જર છે.' તેણે આગળ કહ્યું, 'તે ઈજાગ્રસ્ત હતો અને ટીમમાં તેનું સ્થાન શોધી રહ્યો હતો. સેમીફાઈનલ જેવી મોટી મેચમાં 70 બોલ રમીને સદી ફટકારવી એ શાનદાર પ્રદર્શન છે. ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં તે મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે, જ્યારે મેક્સવેલ અને ઝમ્પા બોલિંગ કરશે.'

અહીં તમને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં ભારતની જીતમાં ઐયરે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચોથા નંબર પર બેટિંગ કરીને તેણે કોહલીને માત્ર સપોર્ટ જ નહીં કર્યો પરંતુ ઝડપી ગતિએ રન પણ બનાવ્યા, જેના કારણે રન રેટને લઈને કોહલી પર વધુ દબાણ રહ્યું નહોતું. અય્યરે માત્ર 70 બોલમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 105 રન બનાવ્યા હતા. આ તેની વર્લ્ડ કપની બીજી સદી હતી. અગાઉ, તેણે ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડ સામે પ્રથમ વિશ્વ કપ સદી ફટકારીને 128 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગમાં તેણે 10 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપ 2023માં શ્રેયસ અય્યર રોહિત શર્મા (550) અને વિરાટ કોહલી (711) પછી ત્રીજા નંબર પર છે. તેના નામે 10 મેચમાં 526 રન છે. આ દરમિયાન તેણે 2 સદી પણ ફટકારી છે. આ સાથે જ તે ટૂર્નામેન્ટના ટોપ રન સ્કોરરની યાદીમાં 7મા નંબર પર છે. વિરાટ કોહલી વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ 711 રન બનાવનાર બેટ્સમેન છે. તેણે આ મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.

ઓસ્ટ્રેલિયા સામે તેનો પાછલો હિસાબ બરાબર કરવા માટે ટીમ ઈન્ડિયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ કરશે. ઓસ્ટ્રેલિયાએ 2003 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને હરાવીને વર્લ્ડ કપ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. આવી સ્થિતિમાં ભારત પાસે હવે પોતાની ધરતી પર ઈતિહાસ રચવાની અને બદલો લેવાની મોટી તક છે. છેલ્લી વખત ટીમ ઈન્ડિયા 2011નો વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી. જ્યારે, 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી એ ભારતીય ટીમનું છેલ્લું ICC ટાઇટલ રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp