પાકિસ્તાની ખેલાડી શોએબ અખ્તર કહે છે, 'મારું આધાર કાર્ડ બની ગયું છે'

PC: abplive.com

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાના એક નિવેદનથી હલચલ મચાવી દીધી છે. તેણે કહ્યું છે કે, તેને ભારત ખૂબ જ ગમે છે અને તે દિલ્હી આવતો-જતો રહે છે. એટલું જ નહીં, અખ્તરે તો એમ પણ કહ્યું કે, તેની પાસે આધાર કાર્ડ પણ છે. હવે તેની પાસે ભારતનું હોવાનું સાબિત કરવા માટે કંઈ બચ્યું નથી.

હકીકતમાં, આ દિવસોમાં કતરની રાજધાની દોહામાં લિજેન્ડ લીગ ક્રિકેટ માસ્ટર્સ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે, જેની ઉત્તેજના ચરમ પર છે. આ ટૂર્નામેન્ટમાં શોએબ અખ્તર મેચ રમવા પહોંચ્યો હતો. તેણે એક મેચ રમી હતી, જેમાં તેણે એક ઓવર પણ નાખી હતી. આ મેચ બાદ અખ્તરે આ નિવેદન આપ્યું હતું.

અખ્તરે કહ્યું, 'મને ભારત ખૂબ ગમે છે. હું દિલ્હી આવતો-જતો રહું છું. મારું આધાર કાર્ડ બની ગયું છે, બીજું કંઈ બાકી નથી રહી ગયું. હું ઈચ્છું છું કે આ વર્ષનો એશિયા કપ પાકિસ્તાનમાં જ યોજાય અને ભારત અને પાકિસ્તાનની ટીમો તેની ફાઈનલ મેચમાં સામસામે હોય. હું ખરેખર ભારતમાં રમવાનું ઘણું મિસ કરી રહ્યો છું. ભારતે મને અપાર પ્રેમ આપ્યો છે. એશિયા કપ પાકિસ્તાન કે શ્રીલંકામાં થવો જોઈએ.'

હાલમાં જ વિરાટ કોહલીએ ત્રણ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી ફટકારી છે. કોહલીને તેની જૂની લયમાં જોઈને અનુભવીઓ અને ચાહકો ખૂબ જ ખુશ છે. કોહલીની આ ઇનિંગ પર પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી અખ્તરે કહ્યું, 'વિરાટ કોહલીને તેની જૂની લયમાં પાછો ફરતો જોઈને મને આશ્ચર્ય નથી થયું. તે ઘણો અનુભવી ખેલાડી છે.'

લિજેન્ડ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ચોથી મેચ ઈન્ડિયા મહારાજ અને એશિયા લાયન્સ વચ્ચે રમાઈ હતી. ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે આ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી. આ મેચમાં જ્યારે પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તર મેદાનમાં આવ્યો ત્યારે એક જ ઓવરમાં તેની હવા નીકળી ગઈ હતી.

શોએબ અખ્તર બોલિંગ માટે આવ્યો ત્યારે ઈન્ડિયા મહારાજ ટીમના ઓપનર ગંભીર અને રોબિન ઉથપ્પા ક્રિઝ પર હતા. આ બંને બેટ્સમેનોએ શોએબની ઓવરમાં બોલને બરાબર ફટકાર્યો હતો અને તેની ઓવરમાં 12 રન લીધા. 47 વર્ષીય શોએબ આ એક ઓવર નાખીને એટલો થાકી ગયો હતો કે તેને મેદાનની બહાર જવું પડ્યું હતું.

શોએબની બોલિંગમાં હવે એવી જૂની ધાર દેખાતી ન હતી અને ન તો તેની ફિટનેસ સારી હતી. શોએબ હાંફતા હાંફતા ગ્રાઉન્ડની બહાર ગયો ત્યારે ઈમ્પેક્ટ પ્લેયર ઈસુરુ ઉડાનાને તેનું સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે, મેચ સિવાય શોએબ અખ્તરે સાથી ખેલાડીઓ સાથે કતરમાં ખૂબ જ મસ્તી પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp