હાર્દિક પંડ્યાએ કરી આ મોટી ભૂલ અને ટીમ ઈન્ડિયાને મળી હાર, હજુ અખતરા ભારે ન પડે

PC: news18.com

ભારતીય ક્રિકેટ ટીમને પુણેમાં રમાયેલી બીજી T20 મેચમાં શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ સારી લડાઈ લડી હતી પરંતુ જીત મેળવી શકી નહોતી. અક્ષર પટેલે શાનદાર ઇનિંગ રમીને ભારતને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો નહોતો. આ જીત સાથે શ્રીલંકાએ સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે અને હવે ત્રીજી T20 મેચ શનિવારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) સ્ટેડિયમમાં રમાશે, જે નિર્ણાયક રહેશે. બીજી મેચમાં ટીમ ઈન્ડિયાની હાર પાછળ કેપ્ટન હાર્દિક પંડ્યાની એક મોટી ભૂલ છે.

જો પંડ્યાએ થોડી તૈયારી કરી હોત તો કદાચ ભારત બીજી મેચમાં જ સીરિઝ જીતી લેત. પરંતુ પંડ્યાએ તૈયારી ન કરી અને એવો નિર્ણય લઈ લીધો જેણે તેને અને ટીમ પર ભારે પડ્યો હતો. આ વાતનું ધ્યાન ટોસ સમયે મુરલી કાર્તિકે તેમને અપાવ્યું.

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનાર ટીમને વધુ ફાયદો થાય છે. પ્રથમ દાવ રમી રહેલી ટીમે આ મેદાન પર વધુ જીત મેળવી છે. પંડ્યાએ બીજી T20માં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ કરાવનાર પ્રેઝેન્ટર અને ભારતના ભૂતપૂર્વ સ્પિનર મુરલી કાર્તિકે ટોસ સમયે પંડ્યાને કહ્યું હતું કે, "આંકડા અનુસાર આ સ્થળ પર પહેલા બેટિંગ કરવી વધુ સારો વિકલ્પ હોત".

આના પર પંડ્યાએ જવાબ આપ્યો, “ઓહ, મને ખબર નહોતી. પરંતુ તે બરાબર છે." તે સ્પષ્ટ થાય છે કે પંડ્યા તેની તૈયારી કરીને નથી ઉતર્યો અને તેથી જ તેણે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી મેચમાં પણ તેણે છેલ્લી મહત્ત્વની ઓવર અક્ષર પટેલને આપીને બધાને ચોંકાવી દીધા હતા, પરંતુ મેચ બાદ હાર્દિકે કહ્યું હતું કે અમારે એક્સપ્રિમેન્ટ કરતા રહેવા પડશે, પરંતુ આ અખતરાઓ ટીમ ઈન્ડિયાને ભારે ન પડે.

પંડ્યાએ ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ માટે બોલાવી હતી અને મુલાકાતી ટીમે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. તેના તરફથી કેપ્ટન દાસુન શનાકાએ સૌથી વધુ 56 રન બનાવ્યા. તે અણનમ પરત ફર્યો. તેણે અંતે, તોફાની રીતે બેટિંગ કરી અને જોરદાર રન બનાવ્યા. પોતાની 22 બોલની ઈનિંગમાં બે ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે પણ અડધી સદી ફટકારી હતી. મેન્ડિસે 31 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ ઘણી મહેનત બાદ પણ આઠ વિકેટ ગુમાવીને 190 રન બનાવી શકી હતી. ભારતનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. ઈશાન કિશન બે, શુભમન ગિલ પાંચ અને રાહુલ ત્રિપાઠી પાંચ રન બનાવીને આઉટ થયા હતા. વાઇસ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. તેણે 36 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 31 બોલનો સામનો કરીને ત્રણ ચોગ્ગા અને છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. તેણે અંતમાં જોરદાર લડત લડી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp