PCBએ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ICC સાથે કર્યું સમાધાન, PCBની સરકાર સાથે વાતચીત

PC: sportstiger.com

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મંગળવારે 27 જૂન 2023 ના રોજ જણાવ્યું હતું કે, પાકિસ્તાને આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે સહભાગિતા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ મંગળવારે કહ્યું હતું કે, તે હાલમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના ભારતના પ્રવાસ અંગે મંજૂરી અને માર્ગદર્શન માટે પાકિસ્તાન સરકારના સંપર્કમાં છે અને પરિણામ વિશે ICCને જાણ કરશે. PCBનું આ નિવેદન ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલની જાહેરાત પછી આવ્યું છે.

આ બાબતે ICC દ્વારા બહાર પડાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, 'પાકિસ્તાને સ્પર્ધા માટે સહભાગિતા કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ ત્યાં હશે અને એવું નહિ થાય એવા કોઈ સંકેત નથી.' તમામ સભ્યોએ તેમના દેશના નિયમો અને કાયદાનું પાલન કરવું પડશે અને અમે તેનું સન્માન પણ કરીએ છીએ, પરંતુ અમને વિશ્વાસ છે કે પાકિસ્તાન મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારત આવશે.

PCB દ્વારા બહાર પડાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'PCBને મેચ સ્થળ સહિત ભારતના કોઈપણ પ્રવાસ માટે પાકિસ્તાન સરકારની મંજૂરીની જરૂર છે. માર્ગદર્શન માટે અમે અમારી સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમને ત્યાંથી કોઈ સંદેશાવ્યવહાર મળશે કે તરત જ અમે ઇવેન્ટ ઓથોરિટી (ICC)ને અપડેટ કરીશું.' નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નવીનતમ સ્થિતિ તે જ છે જે અમે થોડા અઠવાડિયા પહેલા ICCને કહ્યું હતું, જ્યારે તેઓએ અમારી સાથે ડ્રાફ્ટ શેડ્યૂલ શેર કર્યો હતો અને અમારી પ્રતિક્રિયા માંગી હતી.

પ્રથમ વખત સંપૂર્ણપણે ભારતમાં યોજાનારા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભાગ લેવો ખુબ વ્યાપક ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને ગત વર્ષે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ જય શાહ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે એશિયા કપ 2023 પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે યોજાશે.

PCBએ ત્યારથી ઘણી વખત વ્યક્ત કર્યું છે કે, આનાથી 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી જોખમમાં આવી શકે છે. PCBએ એશિયા કપ માટે હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ જૂનની શરૂઆતમાં આગામી એશિયા કપ 2023 માટે હાઇબ્રિડ મોડલની જાહેરાત કરી હતી. આમાં પાકિસ્તાન 13માંથી ચાર મેચોની યજમાની કરશે જ્યારે બાકીની નવ મેચ શ્રીલંકામાં રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp