ખાડો કે ઊંઘનું ઝોકું? રિષભ પંતના અકસ્માત પર ઉત્તરાખંડ સરકાર-NHAIના સામ-સામે

PC: hindustantimes.com

કાર અકસ્માત બાદ વિકેટકીપર રિષભ પંતની ઉત્તરાખંડના દેહરાદૂનમાં સારવાર ચાલી રહી છે. મેક્સ હોસ્પિટલમાં રિષભની સારવાર ચાલી રહી છે, ક્રિકેટ ચાહકો તેના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન રિષભ પંતનો અકસ્માત કેવી રીતે થયો તેની પણ ચર્ચા ચાલી રહી છે. કારણ કે અત્યાર સુધી અલગ-અલગ નિવેદનો સામે આવી રહ્યા છે, સાથે જ રાજ્ય સરકાર અને NHAIના નિવેદનો વચ્ચેનો તફાવત પણ દેખાઈ રહ્યો છે.

અકસ્માત પછી સૌથી પહેલું નિવેદન રિષભ પંતનું આવ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે ઊંઘનું ઝોકુ આવવાને કારણે તેની કારનું સંતુલન બગડ્યું હતું. જોકે, બાદમાં ડીડીસીએના અધિકારીઓએ કહ્યું કે રસ્તા પર ખાડો આવી ગયો હતો, તેનાથી બચવાના પ્રયાસમાં રિષભની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રવિવારે રિષભ પંત સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી. મુલાકાત બાદ પુષ્કર સિંહ ધામીએ પણ ખાડા વાળી થિયરી વિશે વાત કરી હતી. પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે રિષભ પંતે વાતચીતમાં કહ્યું હતું કે રસ્તા પર ખાડા જેવું કંઈક આવ્યું હતું, જેનાથી બચવાનો પ્રયાસ કરતી વખતે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.

રિષભ પંતના અકસ્માત બાદ કેટલીક તસવીરો પણ સામે આવી હતી, જેમાં હાઈવે પર ખાડાઓ ભરવામાં આવી રહ્યા હતા અને તોડફોડને સરખું કરવામાં આવી રહ્યુ હતું. જોકે, ખાડાઓની આ થિયરી સિવાય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)નું નિવેદન પણ આવ્યું છે, જેમાં ખાડાઓની વાતને નકારી કાઢવામાં આવી છે.

આજતક સાથેની વાતચીતમાં NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર પીએસ ગુસાઈને જણાવ્યું હતું કે રજવાહા (નહેર)ના કારણે વારંવાર હાઈવે પર પાણી આવી જાય છે, આ રોડ પર કોઈ ખાડા નથી, પરંતુ પેચ વર્ક્સ થતા રહે છે કારણ કે કેનાલના પાણીને કારણે હાઈવે-રોડ ખરાબ થઈ જાય છે.

NHAI અધિકારીએ કહ્યું કે અમે કોઈ ખાડા પૂર્યા નથી, પરંતુ હાઈવે પર થયેલા નુકસાનનું સમારકામ કર્યું છે. આ વિસ્તાર રોડ સેફ્ટીની દૃષ્ટિએ સારો નથી કારણ કે આગળ રજવાહાને કારણે રસ્તો પાતળો થઈ જાય છે. સિંચાઈ વિભાગ સમક્ષ આ બાબત સતત ઉઠતી રહી છે.

30 ડિસેમ્બરે રિષભ પંતનો અકસ્માત થયો હતો, જ્યારે તે દિલ્હીથી રૂડકી જઈ રહ્યો હતો. વહેલી સવારે આ અકસ્માત થયો હતો, જેમાં રિષભ પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. રિષભને કાંડા, કમર, ઘૂંટણ અને માથામાં ઈજા થઈ છે, તેની સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી છે.

BCCIની મેડિકલ ટીમ પણ રિષભ પંત પર નજર રાખી રહ્યા છે અને કેટલાક રિપોર્ટ આવ્યા બાદ તેને શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે આ ઈજાના કારણે રિષભ પંત લગભગ 6 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp