26th January selfie contest

સિલેક્ટરોના મોઢા બંધ કરતો પૃથ્વી શૉ, એક મેચમાં ઠોકી દીધા 379 રન

PC: twitter.com

ભારતીય ટીમની બહાર ચાલી રહેલા સ્ટાર ઓપનર પૃથ્વી શૉએ ફરી એકવાર રનનો પહાડ ખડકીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. 23 વર્ષીય પૃથ્વી શૉએ પોતાની ઇનિંગથી BCCI પસંદગીકારોને પણ જડબાતોડ જવાબ આપ્યો છે. પૃથ્વી શૉએ રણજી ટ્રોફી 2022-23 સીઝનમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

હકીકતમાં મુંબઈની ટીમ તરફથી રમતા પૃથ્વી શૉએ આસામ સામેની મેચમાં 379 રનની ઈનિંગ રમી હતી. આ મેચ ગુવાહાટીના અમીનગાંવ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પૃથ્વી શૉ 400 રનનો ઐતિહાસિક આંકડો ચૂકી ગયો છે. તેને આસામના રિયાન પરાગે LBW આઉટ કર્યો હતો.

આ સાથે પૃથ્વી શૉ ભારતીય ફર્સ્ટ ક્લાસ અને રણજીના ઈતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી બની ગયો છે. તેણે સંજય માંજરેકરનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 1991માં મુંબઈ (તે સમયે બોમ્બે) માટે હૈદરાબાદ સામે 377 રન બનાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ફર્સ્ટ ક્લાસ અને રણજીના ઈતિહાસમાં 400 રન બનાવવાનો રેકોર્ડ માત્ર એક જ વાર બન્યો છે. આ રેકોર્ડ મહારાષ્ટ્રના જ BB નિમ્બાલકરે બનાવ્યો હતો. તેણે 1948ની સીઝનમાં મહારાષ્ટ્ર તરફથી રમતી વખતે કાઠિયાવાડ સામે અણનમ 443 રન બનાવ્યા હતા.

પૃથ્વી શૉએ મેચમાં 383 બોલમાં આક્રમક રમત રમીને 379 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં આ ઓપનરે 4 સિક્સર અને 49 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ પણ 98.96 હતો. તે રમતના પહેલા દિવસે 240 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જો પૃથ્વી શૉ થોડો વધુ સમય ક્રિઝ પર રહ્યો હોત તો તેણે 400 રનનો રેકોર્ડ પણ બનાવ્યો હોત. મુંબઈની ત્રીજી વિકેટ 598ના સ્કોર પર પડી. હાલમાં મુંબઈ ટીમનો કેપ્ટન અજિંક્ય રહાણે મેચમાં સદી ફટકારીને રમી રહ્યો છે.

રણજી ટ્રોફીમાં સર્વોચ્ચ સ્કોર: BB નિમ્બાલકર- 443* રન, મહારાષ્ટ્ર- વિ કાઠિયાવાડ (1948), પૃથ્વી શૉ- 379 રન, મુંબઈ- વિ આસામ (2023), સંજય માંજરેકર- 377 રન, બોમ્બે- વિરુદ્ધ હૈદરાબાદ (1991), M.V. શ્રીધર- 366 રન, હૈદરાબાદ- આંધ્ર સામે (1994), વિજય મર્ચન્ટ- 359* રન, બોમ્બે-મહારાષ્ટ્ર સામે (1943), સુમિત ગોહેલ- 359* રન, ગુજરાત- ઓડિશા સામે (2016)

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023 માટે ફેબ્રુઆરી-માર્ચમાં ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ અને ત્રણ વનડે રમાશે. તે પહેલા ટીમ ઈન્ડિયાની ટીમ કેવી હશે તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે, કેટલાક ખેલાડીઓ એવા છે જેઓ ટીમ ઇન્ડિયાની બહાર છે અને સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે, છતાં પણ તેમની અવગણના કરવામાં આવી રહી છે. તેમાંથી એક નામ પૃથ્વી શૉનું છે, જે અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. આ ઓપનરને લાંબા સમયથી ટીમમાં સ્થાન મળ્યું નથી પરંતુ તે સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp