પૃથ્વી શૉએ બેવડી સદી ફટકારી, પણ આ કારણોને લીધે હમણા તો ટીમમાં સ્થાન નહીં મળે

PC: bhaskar.com

એક સમય એવો હતો જ્યારે પૃથ્વી શૉની બેટિંગના ખૂબ વખાણ થતા હતા. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું હતું કે, સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગની ઝલક પૃથ્વી શૉમાં જોઈ શકાય છે અને એવું હતું પણ. બેટિંગ કરવામાં પૃથ્વી શૉની ટાઈમિંગ ચોક્કસપણે સચિન અને સેહવાગની યાદ તો અપાવે છે. સ્કૂલ ક્રિકેટથી જ પૃથ્વીની બેટિંગ વિશે ઘણી ચર્ચા થઈ હતી. શાળા પછી, તેણે મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટમાં પદાર્પણ કર્યું, પછી ઈન્ડિયન પ્રીમિયર લીગ અને પછી ટીમ ઈન્ડિયાની અંદર.

પૃથ્વીની પ્રતિભા તેના માટે હંમેશા નવી તકો ઉભી કરતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શક્યો નથી. ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યા પછી કેટલીક મેચોમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, પરંતુ ધીરે ધીરે તેની ચમક ઓછી થઈ ગઈ. પહેલા ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો, પછી IPLમાં તેનું ફોર્મ બગડ્યું, તેથી પૃથ્વી તે સ્થાન તરફ વળ્યો જ્યાંથી તેણે શરૂઆત કરી હતી, એટલે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં.

તાજેતરમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં પૃથ્વીનું બેટ જોરદાર બોલ્યું અને એવું બોલ્યું કે BCCI સેક્રેટરી જય શાહે પણ તેના વખાણ કર્યા. આના પરિણામે, તે આ વર્ષે ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં ટીમ ઇન્ડિયામાં પાછો ફર્યો, પરંતુ તે ફક્ત બેન્ચ પર બેઠો રહ્યો હતો અને તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી ન હતી.

પૃથ્વીની રમત તો બગડી જ હતી, એટલું જ નહિ તે સતત વિવાદોમાં પણ રહેતો હતો, જેના કારણે તેની છબી પણ ખરડાઈ હતી. જો કે પૃથ્વીએ હાર ન માની, ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માટે તે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ તરફ વળ્યો અને 244 રનની ધમાકેદાર ઈનિંગ રમી, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે, પૃથ્વીના આ પ્રદર્શન છતાં તેને ટીમ ઈન્ડિયામાં તક મળશે? આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તે પાંચ કારણો જેના કારણે તેમના માટે ટીમમાં પાછું ફરવું મુશ્કેલ લાગે છે.

હાલમાં જો ફિટનેસનું ધોરણ જોવામાં આવે તો, પૃથ્વી શૉ ક્યાંયથી ટીમ ઈન્ડિયામાં ફિટ નથી. પૃથ્વીની બેટિંગ ભલે સારી ચાલી રહી હોય, પરંતુ તેની ફિટનેસ ઘણી નબળી છે. કાઉન્ટીમાં રમી રહેલા પૃથ્વી શૉની જે તસવીર સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે, તેમાં તે એકદમ ગોળમટોળ જોવા મળી રહ્યો છે. વધતા વજનના કારણે પૃથ્વી વિકેટ વચ્ચે તેટલો ઝડપી દોડતો દેખાતો નહોતો જેટલો તે હોવો જોઈએ. આ જ કારણ છે કે, તેની શાનદાર બેટિંગ છતાં જ્યાં સુધી તે પોતાની ફિટનેસ રિકવર નહીં કરે ત્યાં સુધી તેને ટીમ ઈન્ડિયામાં તક મળવી મુશ્કેલ થઈ રહી છે.

ક્રિકેટ સિવાય પૃથ્વી શૉ પોતાના અંગત જીવનને લઈને પણ વિવાદોમાં રહ્યો છે. ક્યારેક પ્રતિબંધિત દવાઓનું સેવન કરે છે, તો ક્યારેક ચાહકો સાથે મારપીટ કરે છે. આ ઘટનાઓને કારણે પૃથ્વી શૉની રમતની સાથે સાથે તેની ઈમેજને પણ ખરાબ અસર થઈ છે. BCCI આવી બાબતો પર કડક નજર રાખે છે.

પૃથ્વી શૉ ઓપનર બેટ્સમેન છે. આ સ્લોટ પર સિનિયર બેટ્સમેન અને રોહિત શર્માનું સ્થાન પહેલેથી જ નક્કી છે. જ્યારે, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને ઇશાન કિશન તેના જોડીદાર તરીકે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાં પૃથ્વી શૉ માટે અત્યારે કોઈ તક નથી.

ODI અને T20 વર્લ્ડ કપ એક વર્ષમાં રમાશે. આ બંને વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની તૈયારી તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ટીમ લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં મેનેજમેન્ટે વર્લ્ડ કપ પહેલા ટીમમાં કોઈ મોટા ફેરફાર કરવાનું જોખમ ન લેવું જોઈએ.

તેમાં કોઈ શંકા નથી કે, પૃથ્વી શૉ એક મહાન બેટ્સમેન છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની રમતમાં સાતત્ય જોવા મળ્યું નથી. આવી સ્થિતિમાં પૃથ્વીને સતત રન બનાવવા પડશે. જો તેની રમતમાં સાતત્ય હશે તો તેને તક મળી શકે છે, પરંતુ તેના પુનરાગમન માટે આ એક કારણ પૂરતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp