પૂજારાએ આ ખેલાડીને કહ્યો દુનિયાનો સૌથી ખતરનાક બોલર
ભારતીય ટીમની નવી દીવાલ કહેવાતા ચેતેશ્વર પુજારાએ હાલમાં વિશ્વનો સૌથી ખતરનાક બોલર જાહેર કર્યો છે. આ બોલર બીજું કોઈ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના કેપ્ટન પેટ કમિન્સ છે. કમિન્સ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર છે અને પૂજારાને લાગે છે કે, તે આ સમયે વિશ્વનો સૌથી મુશ્કેલ બોલર છે. કમિન્સે પુજારાને ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ પરેશાન કર્યો છે. આ બંને ખેલાડીઓ અત્યાર સુધીમાં 17 વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાં કમિન્સે પૂજારાને 7 વખત પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. આવતા મહિને, આ બંને ખેલાડીઓ ફરી એક વખત સામસામે ટકરાશે, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ 9 ફેબ્રુઆરીથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારત આવશે. ચાર મેચોની આ ટેસ્ટ સિરીઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.
એક ચેનલના સવાલ-જવાબના સત્ર દરમિયાન, જ્યારે પૂજારાને વિશ્વના સૌથી અઘરા બોલરનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'પેટ કમિન્સ અત્યારે ક્રિકેટમાં સૌથી મુશ્કેલ બોલર છે.'કમિન્સ ટેસ્ટ ક્રિકેટમાં ICC રેન્કિંગમાં 878 રેટિંગ સાથે પ્રથમ ક્રમે છે. કમિન્સે તેની ટેસ્ટ કારકિર્દીમાં અત્યાર સુધી 47 મેચમાં 214 વિકેટ લીધી છે. આ સાથે જ તેણે ભારત સામે 10 મેચમાં 43 વિકેટ ઝડપી છે.
પૂજારાની વાત કરીએ તો, તે હાલમાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે રણજી ટ્રોફી રમી રહ્યો છે. આંધ્ર પ્રદેશ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી મેચમાં તેણે બીજી ઇનિંગમાં 91 રન બનાવ્યા હતા, જોકે તે પોતાની ટીમને હારથી બચાવી શક્યો નહોતો. આ મેચમાં સૌરાષ્ટ્રને 150 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઇનિંગ સાથે પૂજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 12000 રન પણ પૂરા કર્યા.
પુજારા ભારતીય ટેસ્ટ ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. તેણે એકલા હાથે ટીમ ઈન્ડિયાને ઘણી યાદગાર મેચો જીતાડી છે. પુજારાએ ભારતને ઓસ્ટ્રેલિયામાં સતત બે બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવામાં મદદ કરી હતી. પૂજારા આગામી રણજી ટ્રોફીમાં તમિલનાડુ સામે રમશે, ત્યાર બાદ તે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટેસ્ટ ટીમ સાથે જોડાશે. પૂજારા પાસેથી આ શ્રેણીમાં સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp