અશ્વિનના મતે ભારતીય ટીમે વર્લ્ડ કપમાં આ વાતથી રહેવું પડશે સાવધાન નહીં તો...

PC: mid-day.com

ભારતીય ટીમે વર્ષ 2023ની પહેલી બંને વન-ડે સીરિઝ જીતી લીધી છે. ટીમે પહેલા શ્રીલંકન ટીમને 3-0થી હરાવી દીધી હતી. હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ 2-0થી અજેય લીડ હાંસલ કરી લીધી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ આ પ્રદર્શનને આ વર્ષે ભારતમાં થનારા વન-ડે વર્લ્ડ કપ સુધી યથાવત રાખવા માગશે. વર્લ્ડ કપની મેચો ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં જ થવાની છે. એ સમયે ખૂબ ઠંડી રહે છે. એવામાં મેચમાં ઝાકળની ભૂમિકા મહત્ત્વની રહેવાની છે.

વર્ષ 2021માં T20 વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન વિરુદ્ધ 10 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. એ મેચમાં ઝાકળની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહી હતી. ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઝાકળને લઇને મોટી વાત કહી છે. પોતાની યુટ્યુબ ચેનલ પર તેણે કહ્યું કે, ઝાકળ અને બાઉન્ડ્રીની દૂરી, આ બંને વસ્તુને નિયંત્રિત કરી શકાય નહીં. મારા હિસાબે ભારતીય ટીમે વર્લ્ડ કપમાં આ જ વસ્તુઓથી સાવધાન રહેવું પડશે. મેચ ભારતીય સમય મુજબ 1:30 શરૂ થવાની છે.

રવિચંદ્રન અશ્વિને ICCને સલાહ આપતા કહ્યું કે, મેચને 2 કલાક પહેલા એટલે કે સવારે 11:30 વાગ્યાથી શરૂ કરી શકાય છે. તેનાથી ઝાકળ ફેક્ટરને ઓછું કરવામાં મદદ મળશે. જો કે, તેનું માનવું છે કે ઘરેલુ પરિસ્થિતિઓના કારણે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવાની મોટી દાવેદાર છે. વર્ષ 2019માં વન-ડે વર્લ્ડ કપ બાદ ઘર આંગણે ભારતીય ટીમના વન-ડે રેકોર્ડ જોઇએ તો તેણે પહેલા બેટિંગ કરતા 12માંથી 9 મેચ જીતી છે અને 3  મેચોમાં હાર મળી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ 336 રન બનાવીને પણ મેચ ગુમાવી ચૂકી છે.

એવામાં નોકઆઉટ કે મહત્ત્વની મેચમાં ઝાકળ ફેક્ટર બની શકે છે. તો લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે વર્ષ 2019માં વન-ડે વર્લ્ડ કપ બાદ ઘર આંગણે 8માંથી 7 મેચ જીતી છે. આ દરમિયાન ટીમે 3 મેચમાં 280 કે તેનાથી વધુ રન બનાવીને જીત હાંસલ કરી છે. આમ પણ લક્ષ્યનો પીછો કરતા વિરાટ કોહલીનો રેકોર્ડ પણ શાનદાર છે. ભારતીય ટીમ માટે વર્લ્ડ કપ એટલે પણ મહત્ત્વનો છે કેમ કે તેને 12 વર્ષથી ટાઇટલની રાહ છે. ટીમે છેલ્લી વખત વર્ષ 2011માં ઘર આંગણે જ વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે ટીમે ફાઇનલમાં શ્રીલંકન ટીમને હરાવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમે લક્ષ્યનો પીછો કરતા જ ત્યારે જીત હાંસલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp