26th January selfie contest

લાઇવ મેચમાં સ્ક્રીન પર દેખાયો પોતાનો રેકોર્ડ તો પોતાને હસતા ન રોકી શક્યા દ્રવિડ

PC: twitter.com/cricketfanvideo

ભારતીય ટીમ હાલમાં શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ રમી રહી છે અને તેણે બીજી મેચ જીતવા સાથે જ સીરિઝમાં 2-0થી અજેય લીડ હાંસલ કરવા સાથે જ સીરિઝ પર પોતાનો કબજો કરી લીધો છે. ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનું નામ દુનિયાના મહાન ખેલાડીઓમાં સામેલ કરવામાં આવે છે. 50 વર્ષીય રાહુલ દ્રવિડે 164 ટેસ્ટ અને 340 વન-ડે મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. સાથે જ વર્ષ 2005-07 દરમિયાન ટીમની કેપ્ટન્સી પણ કરી હતી.

રાહુલ દ્રવિડ ક્રિકેટ ઇતિહાસમાં ચોથા સૌથી વધુ રન બનાવનારા ખેલાડી છે. તો વન-ડે ઇન્ટરનેશનલમાં તેમણે 10 હજાર રનોનો આંકડો પાર કર્યો હતો. રાહુલ દ્રવિડે બુધવારે (11 જાન્યુઆરીના રોજ) જ પોતાનો 50મો જન્મદિવસ મનાવ્યો. તેમણે પોતાનો જન્મદિવસ કોલકાતામાં ભારતીય ટીમના સભ્યો સાથે મનાવ્યો હતો. ગુરુવારે ઇડન ગાર્ડન્સના મેદાન પર ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચ દરમિયાન પણ રાહુલ દ્રવિડના કરિયરની ખૂબ ચર્ચા થઇ.

એક અવસર પર ટી.વી. સ્ક્રીન પર રાહુલ દ્રવિડના રેકોર્ડ્સ દેખાડવામાં આવ્યા, જેને જોઇને રાહુલ દ્રવિડ પોતાની જાતને હસતા ન રોકી શક્યા. રાહુલ દ્રવિડને નવેમ્બર 2021માં ભારતીય પુરુષ ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. હેડ કોચ તરીકે રાહુલ ડેવિડ T20 વર્લ્ડ કપ 2022 બાદ સવાલોના દાયરામાં રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ મહત્ત્વની મેચમાં ઇંગ્લેન્ડ સામે શરમજનક 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

એ હાર બાદ BCCI એક્શન મોડમાં આવ્યું અને તાત્કાલિક ચેતન શર્માની આગેવાનીવાળી સિલેક્શન કમિટીને સસ્પેન્ડ કરી દીધી હતી. તો T20 વર્લ્ડ કપના પ્રદર્શનને લઇને આ મહિને BCCIની સમીક્ષા બેઠક પણ થઇ હતી, જેમાં રાહુલ દ્રવિડે પણ ભાગ લીધો હતો. ભારતીય ટીમ તરફથી 2 જ એવા બેટ્સમેન છે જેમણે ટેસ્ટ અને વન-ડેમાં 10 હજાર કરતા વધુ રન બનાવ્યા છે. એક મહાન બેટ્સમેન સચિન તેંદુલકર અને બીજા રાહુલ દ્રવિડ.

રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાં 52.31ની એવરેજથી 13,288 રન બનાવ્યા હતા, જેમાં 36 સદી અને 63 અડધી સદી સામેલ છે. તો વન-ડે ઇન્ટરનેશનલમાં રાહુલ દ્રવિડના નામે 39.16ની એવરેજથી 10,889 રન નોંધાયેલા છે. વન-ડે ઇન્ટરનેશનલમાં રાહુલ દ્રવિડે 12 સદી અને 81 અડધી સદી બનાવી. ફિલ્ડર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડવાનો વર્લ્ડ રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. રાહુલ દ્રવિડે 301 ટેસ્ટ ઇનિંગમાં 210 કેચ પકડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp