
ભારતના સ્ટાર ક્રિકેટર રિષભ પંત આ દિવસોમાં આરામ ફરમાવી રહ્યો છે. તે કાર અકસ્માત બાદ સર્જરીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન, વચ્ચે વચ્ચે તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતો રહે છે અને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ આપતો રહે છે. શનિવારે કેટલાક મહેમાનો તેમને મળવા રિષભ પંતના ઘરે પહોંચ્યા અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી. મહેમાનો અન્ય કોઈ નહીં પણ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો હતા.
સુરેશ રૈના, હરભજન સિંહ અને શ્રીસંત શનિવારે રિષભ પંતને મળવા તેના ઘરે પહોંચ્યા હતા. સુરેશ રૈનાએ રિષભ પંત સાથેની એક તસવીર પણ શેર કરી છે અને એક સુંદર સંદેશ પણ લખ્યો છે. તસવીરના કેપ્શનમાં રૈનાએ લખ્યું, ભાઈચારો જ બધું છે. કુટુંબ એ છે કે જ્યાં આપણું હૃદય છે. અમે અમારા ભાઈ રિષભ પંતને ખૂબ જ ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. કુટુંબ, જીવન, ભાઈચારો અને સમય પર વિશ્વાસ બનાવી રાખો. અમે હંમેશા તમારી સાથે છીએ. તમે ફોનિક્સની જેમ ઊંચે ઉડાન ભરો.'
સાથે જ શ્રીસંતે લખ્યું, રિષભ પંત હું તને પ્રેમ કરું છું, મારા ભાઈ. તમે વિશ્વાસ રાખો અને પ્રેરણા બની રહો.' ઉલ્લેખનીય છે કે IPL દરમિયાન હરભજન સિંહે શ્રીસંતને થપ્પડ મારી દીધી હતી, પરંતુ શ્રીસંત બધુ ભૂલાવીને તેની સાથે જ પંતને મળવા પહોંચ્યો હતો.
આ પહેલા ભારતના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પણ રિષભ પંતને મળવા આવ્યો હતો. તેણે રિષભ પંત જલદી સાજો થાય તેવી શુભેચ્છા પણ પાઠવી હતી. યુવરાજે કહ્યું હતું કે, યુવા વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત, જે ફિટનેસની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે, તે ટૂંક સમયમાં પાછો આવશે અને ફરીથી નવી ચમક પાથરશે.' અકસ્માતને કારણે પંત આ વર્ષે IPL પણ મિસ કરશે. તેના સ્થાને ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ગયા વર્ષના અંતમાં 30 ડિસેમ્બરે રિષભ પંત એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. તેમની કારને રૂરકી નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં રિષભ પંતને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રાથમિક સારવાર બાદ તેને મુંબઈ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર બાદ તે ઘરે છે. તાજેતરમાં, રિષભ પંતે એક વિડિયો શેર કર્યો જેમાં તે સ્વિમિંગ પૂલમાં ચાલતો જોવા મળે છે, જે ચાહકોને તેના જલ્દી સાજા થવાનો સંકેત આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp