ન્યૂઝીલેન્ડ સીરિઝ વચ્ચે ટીમમાંથી થશે બહાર કોહલી? શાસ્ત્રીના નિવેદને મચાવી સનસની

PC: twitter.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ 7 વર્ષ સુધી ભારતીય ટીમમાં કોચની ભૂમિકા ભજવી. રવિ શાસ્ત્રી નીડરતાથી પોતાની વાત રાખવા માટે જાણીતા છે. તેમણે હાલમાં જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીને લઇને એક મોટું નિવેદન આપ્યું છે, જેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેચી લીધું છે. રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને એક મહત્ત્વની સલાહ આપી છે, વિરાટ કોહલી જો આ સલાહ માને છે તો તે વન-ડે સીરિઝની વચ્ચેથી જ બહાર થઇ શકે છે.

વિરાટ કોહલી આ સમયે ખૂબ જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં વિરાટ કોહલીએ વ્હાઇટ બોલ ક્રિકેટમાં ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ ટેસ્ટ મેચોમાં તે અત્યારે પણ પોતાનું લય હાંસલ કરી શક્યો નથી. એવામાં પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે વિરાટ કોહલીએ વન-ડે સીરિઝની છેલ્લી મેચ ન રમીને રણજી ટ્રોફીમાં રમવું જોઇએ, જેથી તે ફોર્મમાં આવી શકે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે આગામી મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમવાની છે, એટલે રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને આ સલાહ આપી છે.

રવિ શાસ્ત્રીએ વન-ડે સીરિઝની પહેલી મેચ દરમિયાન કમેન્ટ્રી કરતા કહ્યું કે, મને લાગે છે કે વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે ન રમીને બોર્ડર ગાવસ્કર સીરિઝની તૈયારી માટે રણજી મેચ રમવી જોઇએ. તેમણે સચિન તેંદુલકરનું ઉદાહરણ આપતા આગળ કહ્યું કે, 25 વર્ષ અગાઉ સચિન તેંદુલકર એક ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ CCIમાં રમવા ગયા અને બેવડી સદી ફટકારી. 2 મહિના બાદ વર્ષ 1998માં તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બધા ફોર્મેટને મલાવીને 1000થી ઉપર રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ ટેસ્ટમાં પોતાની છેલ્લી સદી 23 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ લગાવી હતી. તેમણે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ડે નાઇટ ટેસ્ટમાં સદીવાળી ઇનિંગ રમી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 136 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 2020, વર્ષ 2021 અને વર્ષ 2022માં સદી બનાવી શક્યો નથી. એવામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી 4 મેચોની ટેસ્ટ સીરિઝ વિરાટ કોહલી માટે ખૂબ મહત્ત્વની રહેવાની છે. ખેર હવે જોવાનું એ રહેશે કે વિરાટ કોહલી શું નિર્ણય લે છે. તે વન-ડે સીરિઝથી બહાર થાય છે કે પછી રમવાનું ચાલુ રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp