ફાઇનલ અગાઉ CSKને ઝટકો, આ દિગ્ગજ ખેલાડીએ સંન્યાસની કરી જાહેરાત

PC: BCCI

28 મેના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમવાની હતી, પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ વિલન બન્યો અને મેચ રિઝર્વ ડેના દિવસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. તો આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમના અનુભવી બેટ્સમેન અંબાતી રાયડુએ આ સીઝન બાદ પોતાના IPL કરિયર પર પૂર્ણવિરામ લગાવવાની જાહેરાત કરી દીધી છે. ટીમ માટે આ સીઝનમાં બેટથી કંઈ ખાસ યોગદાન ન આપી શકવાના કારણે આ નિર્ણય લીધો છે.

સોશિયલ મીડિયા પર અંબાતી રાયડુએ પોતાના ફેન્સ માટે એક ભાવુક સંદેશ શેર કરતા સંન્યાસ બાબતે જાણકારી આપી હતી. આ અગાઉ પણ IPLમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી ચૂકેલા આ ખેલાડીએ સંદેશ સાથે એ વાતને પણ પાક્કી કરી કે આ તેનો અંતિમ નિર્ણય છે અને આ વખત યુટર્ન નહીં લે. અંબાતી રાયડુએ ટ્વીટર પર લખ્યું કે, 2 શાનદાર IPL ટીમ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ, 14 સીઝન, 11 પ્લેઓફ, 8 ફાઇનલ અને 5 IPL ટ્રોફી. હું આશા રાખું છું કે આજે સાંજે મારી છઠ્ઠી IPL ટ્રોફી થઈ જાય.

અંબાતી રાયડુએ લખ્યું કે, મારી અત્યાર સુધીની યાત્રા કમાલની રહી અને હવે મેં નિર્ણય લીધો કે IPLની આ છેલ્લી મેચ મારી છેલ્લી IPL મેચ હશે. મેં આ ખૂબ જ શાનદાર ટૂર્નામેન્ટમાં રમવાનો ભરપૂર આનંદ ઉઠાવ્યો. તમારા બધાનો આભાર અને આ વખત હું પોતાનો આ નિર્ણય નહીં બદલું. અંબાતી રાયડુએ IPLમાં કુલ 203 મેચ રમી છે. 2 ફ્રેન્ચાઇઝી તરફથી રમનારા આ બેટ્સમેને કુલ 4329 રન બનાવ્યા છે, જેમાં નોટઆઉટ 100 રન તેની સૌથી શાનદાર ઇનિંગ રહી. અંબાતી રાયડુના નામે IPLમાં 171 સિક્સ અને 358 ફોર નોંધાયેલા છે.

બીજી તરફ રાયડુએ પોતાના 12 વર્ષના ક્રિકટ કરિયરમાં ભારતીય ટીમ માટે 55 વન-ડે અને 6 T20 મેચ પણ રમી છે, જેમાં તેણે ક્રમશઃ 1694 અને 42 રન બનાવ્યા છે. 37 વર્ષીય અંબાતી રાયડુએ પોતાના IPL કરિયરની શરૂઆત વર્ષ 2010માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધની મેચથી કરી હતી અને તે વર્ષ 2017 સુધી મુંબઈ ઇન્ડિયન્સ તરફથી IPL રમતો નજરે પડ્યો. ત્યારબાદ જ્યારે 2 વર્ષના પ્રતિબંધ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે IPLમાં વાપસી કરી હતી તો એ સમયે ચેન્નાઈ સુપર કિંગ્સે રાયડુને પોતાની ટીમમાં સામેલ કરી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp