બીજી ટેસ્ટના ત્રીજા દિવસે જ ભારતનો ભવ્ય વિજય, આ 3 ખેલાડી રહ્યા મેચના હીરો

PC: BCCI

હાલમાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતમાં છે અને ટેસ્ટ સીરિઝ રમી રહી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 6 વિકટે જીત હાંસલ કરી લીધી છે. તેની સાથે જ ભારતીય ટીમે સીરિઝમાં 2-0ની અજેય લીડ હાંસલ કરી લીધી છે. આ મેચમાં પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે પહેલી ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ 81 રન ઉસ્માન ખ્વાજાએ બનાવ્યા હતા. એ સિવાય હેન્ડકોમ્બે 72 રન અને કેપ્ટન પેટ કમિન્સે 33 રનની ઇનિંગ રમી હતી.

ભારત તરફથી બોલિંગ કરતા પહેલી ઇનિંગમાં સૌથી વધુ 4 વિકેટ મોહમ્મદ શમીને મળી હતી, જ્યારે રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને 3-3 વિકેટ મળી હતી. તેના જવાબમાં ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 262 પર ઓલઆઉટ થઈ ગઈ.

ભારતીય ટીમ એક સમયે મુશ્કેલીમાં મુકાઇ ગઈ હતી જ્યારે તે 139 રનના પર જ 7 વિકેટ ગુમાવી ચૂકી હતી, પરંતુ ત્યારબાદ અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિને ભારતીય ટીમને મેચમાં વાપસી કરાવી. અક્ષર પટેલે 74 રનની ઇનિંગ રમી, જ્યારે રવિચંદ્રન અશ્વિન 37 રન બનાવ્યા. આ બંને ખેલાડીઓની ઇનિંગની મદદથી ભારતીય ટીમ 262 રન બનાવી શકી.

આ બંને ખેલાડીઓની શાનદાર ઇનિંગ બાદ ઓસ્ટ્રેલિયાને માત્ર 1 રનની લીડ મળી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 113 રન પર જ સમેટાઇ જતા એક રનની લીડ સાથે ભારતીય ટીમને 115 રનનું લક્ષ્ય મળ્યું હતું. ટેસ્ટ મેચના બીજા દિવસના અંતમાં ઓસ્ટ્રેલિયન ટીમે સારી શરૂઆત કરી હતી, પરંતુ ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન આગળ ટકી ન શક્યા. અને ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 113 રન બનાવી શકી.

બીજી ઇનિંગમાં બોલિંગ કરતા ભારત તરફથી સૌથી વધુ 7 વિકેટ રવીન્દ્ર જાડેજાને મળી, જ્યારે રવિચંદ્રન અશ્વિનને 3 વિકેટ મળી. આમ રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા બીજી ટેસ્ટ મેચના હીરો સાબિત થયા. 115 રનના લક્ષ્યને હાંસલ કરવા ઉતરેલી ભારતીય ટીમને પહેલા જ કે.એલ. રાહુલના રૂપમાં ઝટકો લાગ્યો, તે આ મેચમાં પણ વધારે કંઈ ખાસ ન કરી શક્યો.

તે આ મેચમાં બંને ઇનિંગ મળીને માત્ર 18 રન જ બનાવી શક્યો. ભારતે 26.4 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરીને આ મેચ જીતવા સાથે જ સીરિઝમાં 2-0 ની લીડ હાંસલ કરી લીધી છે. મેચ બાદ રવીન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp