રિષભ પંતને એરલિફ્ટ કરી મુંબઈ લઈ જવાયો, આ હોસ્પિટલમાં થશે ઓપરેશન

PC: abplive.com

કાર એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત ક્રિકેટર રિષભ પંતને આજે દેહરાદૂનથી એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો. અહીં કોકિલાબેન હોસ્પિટલમાં તેની આગળની સારવાર થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, હોસ્પિટલના સ્પોર્ટ્સ મેડિસિન એન્ડ ઓર્થોસ્કોપી હેડ ડૉક્ટર દિનશૉ પારદીવાલાની દેખરેખમાં પંતની ટ્રીટમેન્ટ થશે. ડૉ. પારદીવાલા આ પહેલા સચિન તેંદુલકર, યુવરાજ સિંહ, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા જેવા ક્રિકેટર્સની સારવાર કરી ચુક્યા છે.

BCCIએ એ પણ જણાવ્યું છે કે, પંતના ઘૂંટણની લિગામેન્ટની સર્જરી કરવામાં આવશે. પંતની રિકવરી અને ત્યારબાદ રિહેબિલિટેશન પ્રક્રિયા પર બોર્ડની ટીમ નજર રાખશે. 30 ડિસેમ્બરે કાર એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થયા બાદ પંતને પહેલા રુડકીની સક્ષમ હોસ્પિટલમાં ઈમરજન્સી ટ્રીટમેન્ટ આપવામાં આવી. ત્યારબાદથી તેની સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી.

એક્સિડન્ટમાં પંતને માથા, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. તેના ઘૂંટણના લિગામેન્ટ તૂટવાની વાત સામે આવી હતી. એવામાં હવે BCCIની મેડિકલ ટીમે વધુ સારવાર માટે તેને દેહરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કરાવ્યો છે. ભારતીય બોર્ડે જણાવ્યું કે, પંતની સારવારનો ખર્ચ તેના મેડિકલ ઈન્શ્યોરન્સથી કવર થશે. તેમજ, દેહરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કરવાનો ખર્ચ બોર્ડ ઉઠાવશે. BCCIએ આ મામલામાં અત્યારસુધી પંતની સારવાર કરનારી ઉત્તરાખંડની બે હોસ્પિટલોના વખાણ કર્યા છે પરંતુ, પંત આગળની સારવાર પોતાના એક્સપર્ટ્સની દેખરેખમાં કરાવવા માંગતો હતો.

ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત શુક્રવારે સવારે થયેલા રોડ એક્સિડન્ટમાં માંડ-માંડ બચ્યો હતો. તેની મર્સિડિઝ અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ તેમા આગ લાગી ગઈ અને પલ્ટી ગઈ. એક્સિડન્ટ બાદ પંત સળગતી કારની બારીનો કાચ તોડીને બહાર નીકળ્યો હતો. લોકો બચાવવા માટે પહોંચ્યા તો બોલ્યો- હું રિષભ પંત છું. તેને માથા, પીઠ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઝોકું આવવાના કારણે આ દુર્ઘટના થઈ હતી.

આ દુર્ઘટના નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે, પંતની મર્સિડિઝ આશરે 150 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ચાલી રહી હતી. તેણે એક ગાડીને ઓવરટેક કરી. પછી સામે એક ખાડો આવી ગયો. તેને કારણે કાર પાંચ ફૂટ હવામાં ઉછળીને બસ સાથે અથડાઈ પછી ડિવાઈડર સાથે અથડાઈ અને તેમા આગ લાગી ગઈ. કારમાંથી નીકળીને પંત રોડ ડિવાઈડર પર જ બેઠો હતો. દુર્ઘટનામાં પંતને પાંચ જગ્યાએ ઈજાઓ પહોંચી. તેમા માથુ, જમણા હાથનું કાંડુ, ડાબા પગનો ઘૂંટણ અને અંગૂઠો સામેલ છે. ઘૂંટણ, ઘૂંટી અને કાંડાની ઈજા મહત્ત્વની છે, કારણ કે તેનો ઉપયોગ વિકેટ કીપિંગ માટે જરૂરી છે.

પૂર્વ ઈન્ટરનેશનલ વિકેટકીપર નમન ઓઝા કહે છે કે, જો ઘૂંટણના લિગામેન્ટ ફાટી જાય તો રિકવરીમાં સમય લાગે છે. ઘૂંટણની સામાન્ય ઈજામાંથી રિકવરી કરવામાં પણ ઓછામાં ઓછાં 6 અને વધુમાં વધુ 8 અઠવાડિયા લાગે છે. વિકેટકીપિંગમાં દરેક પોઈન્ટ મેટર કરે છે. ઈજા ક્યાંય પણ હોય, પ્રભાવિત કરે છે. પછી ભલે તે આંગળીની જ ઈજા કેમ ના હોય. પંતને તો કાંડુ, ઘૂંટણ અને ઘૂંટીમાં ઈજા થઈ છે. રિકવરી કરવામાં સમય લાગશે. જોકે, તે યુવાન છે... જલ્દી રિકવરી પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp