Video:ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર, પંતે સિક્સ ફટકારીને કહ્યું- I Will Be Back

PC: twitter.com

ટીમ ઇન્ડિયા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રોડ અકસ્માતમાં ગંભીર ઇજાઓને કારણે મહિનાઓથી ક્રિક્રેટના મેદાનથી દુર રહેલો રિષભ પંત ફરી એકવાર મેદાન પર દેખાયો છે અને પંતે પોતાના અંદાજમાં બેટીંગ કરીને ક્રિક્રેટ ચાહકોના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં પંત બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. આ જોઈને ચાહકોની ખુશીનો કોઈ ઠેકાણે નથી. પંતને એકદમ ઠીક જોઈને ચાહકો ખુશીથી ઉછળી ગયા છે. વાસ્તવમાં પંત લાંબા સમયથી મેદાનની બહાર હતો. જાણે રિષભ પંત એવું કહી રહ્યો હતો કે I Will Be Back.ધરતીને નમન કરીને રિષભ પંત મેદાનમાં ઉતર્યો અને સિક્સર ફટકાર્યો હતો.

વાસ્તવમાં, દિલ્હી-દહેરાદૂન હાઈવે પર પંતની કારને અકસ્માત નડ્યો હતો, પંત આ અકસ્માતમાં માંડ માંડ બચ્યો હતો.તેના શરીરના મોટા ભાગના અંગોને ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ પંત મેદાનની બહાર થઈ ગયો હતો. હવે પંત તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં પંતને મેદાન પર ફરીથી એ જ સ્ટાઈલમાં બેટિંગ કરતો જોવા ચાહકો માટે ખુશીની વાત છે અને ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર પણ છે.

જ્યારથી રિષભ પંત ટીમ ઈન્ડિયામાંથી બહાર છે ત્યારથી ભારતીય બેટિંગ ઓર્ડરમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે પંતના વિકલ્પ તરીકે ઈશાન કિશનને વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ હવે જ્યારે પંતનો આ વીડિયો સામે આવ્યો છે ત્યારે એક વાત નક્કી છે કે આગામી સમયમાં ટીમ ઈન્ડિયાને સારા સમાચાર મળવાના છે.

પ્રેક્ટિસ મેચની સાથે,  રિષભ પંતે મંગળવારે ભારતના 77મા સ્વતંત્રતા દિવસ માટે JSW ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે પંતે પ્રેરણાત્મક ભાષણ આપ્યું હતું. જેમાં તેણે યુવા ખેલાડીઓને રમતમાં દબાણમાં રમવાની સાથે મનોરંજન નહીં ભુલવાની સલાહ આપી હતી.

રિષભ પંતની IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં પંતે યુવા ક્રિકેટરોને રમતનો આનંદ માણવા કહ્યું છે. તેણે કહ્યું, એકવાર તમે મોટા થઈ જાઓ, પછી તમે રમતને પ્રેમ કરવાનું બંધ કરી દો. આનું એક કારણ એ છે કે ઘણું દબાણ છે, તમે જીવનમાં શ્રેષ્ઠ બનવા માંગો છો અને ઘણી બધી વસ્તુઓ કરવા માંગો છો. પરંતુ જીવનમાં તે મનોરંજન ચૂકી ન જવું જોઈએ

રિષભ પંતે પોતાની કેરિયરમાં 33 ટેસ્ટમાં 43.67ની એવરેજથી અને 73.63ની સ્ટ્રાઇક રેટથી 2271 રન બનાવ્યા છે. 30 વન-ડેમાં 106.65ની સ્ટ્રાઇક રેટથી 865 રન બનાવ્યા છે. ઉપરાંત  T-20 ઇન્ટરનેશનલમાં રિષભે 66 મેચમાં 126.37ની સ્ટ્રાઇક રેટ સાથે 987 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp