26th January selfie contest

અકસ્માત બાદ પંતની પહેલી પ્રતિક્રિયા, બચાવનારનો ફોટો શેર કરી જુઓ શું લખ્યું

PC: twitter.com

ભારતના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે પોતાની કાર અકસ્માત બાદ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. અકસ્માતના 17 દિવસ બાદ પંતે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેની સર્જરી સફળ રહી છે. સાથે જ તેણે BCCIનો મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ પણ આભાર માન્યો હતો. પંતની કારનો અકસ્માત 30 ડિસેમ્બરે થયો હતો. તે તે સમયે દિલ્હીથી રૂડકીમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવેના ડિવાઈડર સાથે અથડાઈ હતી.

પંતને કાર અકસ્માત બાદ પહેલા દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની પીઠ, પગ અને લિગામેંટમાં ઈજા થઈ હતી. થોડો સમય દેહરાદૂનમાં રહ્યા બાદ રિષભ પંતને એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં પંતની લિગામેંટની સર્જરી કરવામાં આવી હતી. BCCIએ પંતની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો હતો.

રિષભ પંતે ટ્વીટ કરીને લખ્યું, 'મને મળેલા સમર્થન અને પ્રેમ અને આશીર્વાદ માટે હું આભારી છું. મને જણાવતા આનંદ થાય છે કે મારી સર્જરી સફળ રહી અને હવે હું રિકવરી માટે તૈયાર છું. હું આવનારા તમામ પડકારોનો સામનો કરવા તૈયાર છું. BCCI જય શાહ અને સરકારનો તેમના સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. તો પંતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્પાઈડરમેનના એવેન્જર કાર્ટૂનની તસવીર શેર કરી છે. આના પર તેણે લખ્યું, 'શુક્રગુઝર, કૃતિગા, ભાગ્યવાન (ગ્રેટફુલ, થેંકફુલ અને બ્લેસડ)' પંત ઉપરાંત તેની બહેન સાક્ષીએ પણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરી જેમાં લખ્યું હતું. 'હે ભગવાન 2023માં તમારો હાથ અમારા માથા ઉપરથી ન ઉઠાવશો.'

રિષભ પંત 2023માં મેદાનથી દૂર રહી શકે છે. તેના લિગામેન્ટની સર્જરી થઈ છે. જોકે, આ સર્જરીમાંથી સાજા થવામાં કેટલો સમય લાગશે તે અત્યારે નક્કી નથી. જોકે એ સ્પષ્ટ છે કે પંત IPL રમી શકશે નહીં. પંત દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. આ સિઝનમાં તેની ટીમ હવે નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે.

રિષભ પંતે અન્ય એક ટ્વીટમાં એ બે યુવકોનો પણ ફોટો શેર કર્યો હતો, જેણે તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. તેણે લખ્યું હતું કે, હોય શકે છે કે હું વ્યક્તિગત રીતે તમામનો આભાર વ્યક્ત ન કરી શકું, પરંતુ આ બે હીરો રજત કુમાર અને નિશુ કુમારનો આભાર વ્યક્ત કરવા માગું છું, જેમણે મારી દુર્ઘટના દરમિયાન મદદ કરી અને સુનિશ્ચિત કર્યું કે હું સુરક્ષિત રૂપે હોસ્પિટલ પહોંચી શકું. ધન્યવાદ. હું હંમેશાં આભારી અને ઋણી રહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp