'હું રિષભ પંત છું....' જીવ બચાવનાર બસ ડ્રાઇવરે જણાવ્યું રિષભ સાથે શું થયેલું

PC: freepressjournal.in

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિષભ પંતની કાર એક્સિડન્ટની શિકાર થઇ છે. આ અકસ્માતમાં તે બાલ-બાલ બચી ગયો છે. આ એક્સિડન્ટ બાદ સૌથી પહેલા એક બસ ડ્રાઇવર સુશીલ કુમાર રિષભ પંત પાસે પહોંચ્યો હતો. તેણે જ રિષભ પંતને સંભાળ્યો અને એમ્બ્યુલન્સ બોલાવીને હૉસ્પિટલ મોકલાવ્યો. સુશીલે જણાવ્યું કે, રિષભ પંત લોહીથી લથબથ હતો અને તેણે જ જણાવ્યું હતું કે, તે ક્રિકેટર રિષભ પંત છે. રિષભ પંત પોતાની મર્સિડીઝ કાર પોતે ચલાવીને હોમ ટાઉન રુડકી જઇ રહ્યો હતો.

આ દરમિયાન ઝોકું આવી ગયુ અને તેની કાર ડિવાઇડર સાથે ટકરાઇને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. રિષભ પંતે પોતે જણાવ્યું કે, તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો. ત્યારબાદ કારમાં ભીષણ આગ લાગી ગઇ હતી. રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની માતા પણ સાથે છે. રિષભ પંતને માથા અને ઘૂંટણમાં ગંભીર ઇજા થઇ છે. તેનું MRI પણ કરાવવામાં આવ્યું છે. એ સિવાય પીઠ અને પગના કેટલાક ભાગમાં પણ ઇજા થઇ છે. રિષભ પંતનું આ એક્સિડન્ટ શુક્રવારે સવારે લગભગ 5:30 વાગ્યે રુડકી પાસે મોહમ્મદપુર જાટ એરિયામાં થયો.

શું કહ્યું ઘટનાસ્થળ પર ઉપસ્થિત બસ ડ્રાઇવર સુશીલ કુમારે?

સુશીલ કુમારે જણાવ્યું કે, હું હરિયાણા રોડવેઝનો ડ્રાઇવર છું. હું હરિદ્વારથી આવી રહ્યો હતો. જેવા જ અમે નારસન પાસે પહોંચ્યા 200 મીટર પહેલા, મેં જોયું કે દિલ્હી તરફથી કાર આવી અને લગભગ 60-70ની સ્પીડ સાથે ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ. ટકરાયા બાદ કાર હરિદ્વારવાળી લાઇન પર આવી ગઇ. મેં જોયું કે હવે બસ પણ ટકરાઇ જશે. અમે કોઇને બચાવી નહીં શકીએ. કેમ કે મારી પાસે 50 મીટરનું જ અંતર હતું. મેં તરત જ સર્વિસ લાઇનથી હટાવીને ગાડી ફર્સ્ટ લાઇનમાં નાખી દીધી.

ડ્રાઇવરે કહ્યું કે, તે ગાડી સેકન્ડ લાઇનમાં નીકળી ગઇ. મારી ગાડી 50-60ની સ્પીડમાં હતી. મેં તરત જ બ્રેક લગાવી અને બારીની સાઇડથી કૂદીને ગયો. મેં જોયું કે વ્યક્તિ (રિષભ પંત)ને. તે જમીન પર પડ્યો હતો. મને લાગ્યું કે તે નહીં બચે. કારમાંથી અંગારા નીકળી રહ્યા હતા. તેની પાસે જ તે (પંત) પડ્યો હતો. અમે તેને ઉઠાડ્યો અને કારથી દૂર કર્યો. મેં તેને પૂછ્યું કોઇ બીજું છે કારની અંદર? તે બોલ્યો નહીં હું એકલો જ હતો.

પછી તેણે જણાવ્યું કે હું રિષભ પંત છું. હું ક્રિકેટ બાબતે એટલું જાણતો નથી. તેને સાઇડ પર ઊભો કર્યો. તેના શરીર પર કપડાં નહોતા. તો અમે પોતાની ચાદરથી લપેટી દીધો.

તેણે આગળ કહ્યું કે, તેણે જ અમને જણાવ્યું કે, હું ક્રિકેટર રિષભ પંત છું. તેના પૈસા પણ પડી ગયા. તો અમે આસપાસ પડેલા તેના 7-8 હજાર રૂપિયા ભેગા કર્યા અને તેને આપ્યા. મારા કંડક્ટરે એમ્બ્યુલન્સને ફોન કર્યું. મેં પોલીસ અને નેશનલ હાઇવેને ફોન કર્યો. 15-20 મિનિટ બાદ એમ્બ્યુલન્સ આવી ગઇ, તો તેને બેસાડીને હૉસ્પિટલ મોકલી દીધો. તે (રિષભ પંત) લોહીથી લથબથ હતો. અમે વીડિયો ન બનયો. તેનો જીવ બચાવવો જરૂરી સમજ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp