રિષભ પંતે સર્જરી બાદ શેર કરી પોતાની પહેલી તસવીર, કહી હૃદયસ્પર્શી વાત

PC: twitter.com/RishabhPant17

ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હાલમાં ક્રિકેટિંગ એક્શનથી દૂર છે. રિષભ પંત ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં એક કાર એક્સિડન્ટમાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. દર્દનાક અકસ્માત બાદ રિષભ પંતની સારવાર દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં ચાલી રહી હતી, ત્યારબાદ તેને મુંબઇની કોકિલાબેન હૉસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. રિષભ પંતની સર્જરી ગયા મહિને કોકિલાબેન હૉસ્પિટલમાં થઇ હતી. હવે રિષભ પંતે ટ્વીટર પર બે તસવીરો શેર કરી છે.

શેર કરવામાં આવેલી આ બે તસવીરોમાં રિષભ પંત સ્ટીકના સહારે ચાલી રહ્યો છે. તેના પગોમાં પ્લાસ્ટર નજરે પડી રહ્યું છે. રિષભ પંતે આ તસવીરના કેપ્શનમાં લખ્યું કે, ‘એક પગલું આગળ, એક પગલું મજબૂત અને એક પગલું સારું.’ રિષભ પંત સાથે રોડ અકસ્માત એ સમયે થયો હતો, જ્યારે તે પોતાની માતાને મળવા મર્સિડિઝ કાર ચલાવીને પોતાના ઘરે રુડકી જઇ રહ્યો હતો. રિષભ પંતની કાર દિલ્હી-દેહરાદૂન રાજમાર્ગ પર રોડના ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ હતી, ત્યારબાદ તેમાં આગ લાગી ગઇ હતી. ત્યારબાદ રિષભ પંત કોઇક રીતે કારમાંથી નીકળવામાં સફળ થયો હતો.

રિષભ પંત મેદાન પર ક્યારે વાપસી કરશે એ હજુ સ્પષ્ટ નથી, પરંતુ ઇજાના કારણે રિષભ પંત આ વર્ષે ઘણા મહિનાઓ સુધી ક્રિકેટિંગ એક્શનથી દૂર રહે તેવી સંભાવના છે. તે આ વર્ષે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલુ સીરિઝથી બહાર રહ્યો હતો. સાથે જ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પણ તેને ટીમ પસંદ કરવામાં આવ્યો નથી. રિષભ પંત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને એશિયા કપથી પણ બહાર થવાની પૂરી સંભાવના છે. એ જોવાનું રહેશે કે ઓક્ટોબર-નવેમ્બરમાં થનારા વન-ડે વર્લ્ડ કપ માટે તે ફિટ થઇ શકે છે કે નહીં.

રિષભ પંત IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. એવામાં તે બહાર થતા આગામી સીઝનમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન્સી કોણ કરશે એ જોવું પણ રસપ્રદ રહેશે. ટીમે તેની તપાસ કરવી પડશે. ડેવિડ વોર્નર કેપ્ટન્સીની રેસમાં સૌથી આગળ છે. રિષભ પંતને લઇને દિલ્હી કેપિટલ્સ (DC)ના કોચ રિકી પોન્ટિંગે રસપ્રદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રિષભ પંત જો IPL બહાર રહેવા છતા દિલ્હી કેપિટલ્સના ડગઆઉટમાં રહે છે તો તેમને ખૂબ ખુશી થશે. ખેર હવે જોવાનું એ રહેશે કે રિષભ પંત કેટલા સમયમાં મેદાનમાં વાપસી કરવામાં સફળ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp