IPL 2023 અગાઉ RCBને લાગ્યો મોટો ઝટકો, T20નો વિસ્ફોટક ખેલાડી ટૂર્નામેન્ટથી બહાર

PC: BCCI

IPL 2023ની શરૂઆત થવાના હવે થોડા જ દિવસો બાકી છે. એ અગાઉ ખેલાડીઓ ઇજાગ્રસ્ત થઈને બહાર થવાનો સિલસિલો યથાવત છે. આ લિસ્ટમાં ઇંગ્લેન્ડના વિલ જેક્સનું નામ પણ સામેલ થઈ ગયું છે, જે નાના ફોર્મેટમાં વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. IPL 2023 માટે આ ખેલાડીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ તે હવે ટૂર્નામેન્ટનો હિસ્સો નહીં હોય.

એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ, વિલ જેક્સ બહાર થવાનું કારણ તેની ઇજા છે, જે તેને બાંગ્લાદેશના પ્રવાસ પર રમાયેલી વન-ડે સીરિઝ દરમિયાન થઈ હતી. વિલ જેક્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ડિસેમ્બરમાં થયેલા ઓક્શનમાં 3.2 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો અને મિડલ ક્લાસમાં ગ્લેન મેક્સવેલના બેકઅપના રૂપમાં રાખવામાં આવ્યો હતો. જો કે, હવે વિલ જેક્સ બહાર થવાથી ટીમની યોજનાને ઝટકો લાગ્યો છે.

ઇંગ્લિશ ખેલાડીને બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી વન-ડે દરમિયાન ફિલ્ડિંગ કરતા ડાબી જાંઘમાં ઇજા થઈ ગઈ હતી. આ કારણે તે પ્રવાસ પર રમાનારી બાકી મેચોથી બહાર થઈ ગયો હતો અને હવે IPL 2023થી પણ બહાર થવું પડ્યું છે. વિલ જેક્સ પાસે IPLમાં સારું કરીને ભારતમાં થનારા વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની વન-ડે ટીમ માટે પોતાનો દાવો મજબૂત કરવાનો સોનેરી અવસર હતો, પરંતુ ઇજાના કારણે હવે તે નહીં રમી શકે. T20માં વિલ જેક્સનો રેકોર્ડ ખૂબ સારો છે.

તેણે 109 મેચોમાં 157.94ની જોરદાર સ્ટ્રાઈક રેટથી 2802 રન બનાવ્યા હતા. તેના નામે 26 વિકેટ પણ નોંધાયેલી છે. ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, વિલ જેક્સના રિપ્લેસમેન્ટને લઈને ન્યૂઝીલેન્ડના અલરાઉન્ડર માઇકલ બ્રેસવેલ સાથે વાતચીત ચાલી રહી છે. બ્રેસવેલની બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા હતી અને તેને ઓક્શનમાં કોઈએ ખરીદ્યો નહોતો. જો કે, ત્યારબાદ તેણે ભારતના પ્રવાસ પર આવીને જોરદાર પ્રદર્શન કરીને બધાને પ્રભાવિત કર્યા હતા. સંભવતઃ એ જ પ્રદર્શનના કારણે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેને પોતાની સાથે જોડવા પર વિચાર કરી રહી છે.

IPL 2023 માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ:

વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ, ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), હર્ષલ પટેલ, વાનિંદુ હસરંગ, દિનેશ કાર્તિક, શાહબાજ અહમદ, રજત પાટીદાર, અનુજ રાવત, આકાશ દીપ, જોશ હેઝલવુડ, મહિષપાલ લોમરોર,  ફિન એલન, સુયશ પ્રભુદેસાઇ, કરણ શર્મા, સિદ્ધાર્થ કૌલ, ડેવિડ વિલી, રીસ ટોપલી, હિમાંશુ શર્મા, વિલ જેક્સ, મનોજ બંડગે, રાજન કુમાર, અવિનાશ સિંહ, સોનૂ યાદવ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp