WI વિરુદ્ધ T20 સીરિઝ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત, જુઓ કોને કોને મળી જગ્યા

બુધવારે સીનિયર પુરુષ સિલેક્શન સમિતિએ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ રમાનારી આગામી 5 મેચોની T20 સીરિઝ માટે ભારતની T20 ટીમની જાહેરાત કરી છે. આ સીરિઝ માટે યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને તિલક વર્માને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. બંને જ ખેલાડીઓએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ધમાલ મચાવી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધની સીરિઝ માટે ભારતની T20 ઇન્ટરનેશનલ ટીમનો હિસ્સો નહીં હોય. જ્યારે સ્ટાર લેગ સ્પિનર રવિ બિશ્નોઈની ભારતની T20 ઇન્ટરનેશનલ ટીમમાં વાપસી થઈ છે.
મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના બેટ્સમેન તિલક વર્માને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ T20 ઇન્ટરનેશનલ સીરિઝ માટે પહેલી વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. યશસ્વી જયસ્વાલ અને તિલક વર્મા બંનેએ જ IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. IPL 2023માં ‘ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર’નો પુરસ્કાર મેળવનાર યશસ્વી જયસ્વાલે 14 મેચોમાં 164ની સ્ટ્રાઈક રેટથી 625 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને 6 અડધી સદી સામેલ હતી. યશસ્વી જયસ્વાલને ઘરેલુ ક્રિકેટમાં તેના પ્રદર્શનના કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલ માટે ભારતીય ટીમને લંડન મોકલવામાં આવ્યો હતો.
તેને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ 12 જુલાઈથી શરૂ થનારી 2 ટેસ્ટ મેચોની સીરિઝ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફ 20 વર્ષીય તિલક વર્માએ વર્ષ 2022 બાદ IPL 2023માં પણ પ્રભાવશાળી પ્રદર્શન કરીને મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના મિડલ ઓર્ડરમાં પોતાની જગ્યા પાક્કી કરી. તિલક વર્માએ આ વર્ષે 11 IPL મેચોમાં 164.11ની સ્ટ્રાઈક રેટ અને 42.88ની એવરેજથી 343 રન બનાવતા મુંબઈ ઇન્ડિયન્સને પ્લેઓફ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
નવનિયુક્ત સિલેક્શન કમિટીના ચેરમેન અજીત અગરકરની આગેવાનીમાં પસંદ કરવામાં આવેલી ટીમમાં સંજુ સેમસનની વાપસી થઈ છે. સંજુ સેમસન ખભાની ઇજાના કારણે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023માં ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરિઝ રમી શક્યો નહોતો. ફાસ્ટ બોલર આવેશ ખાન અને લેગ સ્પિનર રવિ બિશ્નોઈની પણ ટીમમાં વાપસી થઈ છે. ભારતીય ટીમ આ સમયે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે. ભારત આ દરમિયાન 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 T20 ઇન્ટરનેશનલ એમચોની સીરિઝ રમશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમ:
ઇશાન કિશન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, આવેશ ખાન, મુકેશ કુમાર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp