Video: સરફરાઝ ખાને કાશ્મીરી યુવતી સાથે ગુપચુપ લગ્ન કર્યા,જાણો કોણ છે બેગમ

PC: navbharattimes.indiatimes.com

એક તરફ જ્યારે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી T20 રમી રહી હતી, ત્યારે બીજી તરફ સરફરાઝ ખાનના ઘરે ઉજવણીનો માહોલ હતો. તે કાશ્મીરની વાદીયોંમાં હતો અને તે કોઈના પ્રેમમાં ક્લીન બોલ્ડ થઇ ચુક્યો હતો. કોઈને પણ આ વાતની ખબર ન હતી. આ ભારતીય સ્ટાર ખેલાડીએ કાશ્મીરમાં ગુપચુપ રીતે નિકાહ પઢ્યા હતા. સરફરાઝ ખાને સોશિયલ મીડિયા પર પોતાની નવી નવેલી દુલ્હનિયા સાથેની તસવીર શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી.

મીડિયા સૂત્રોના અહેવાલો અનુસાર, તેણે જમ્મુ-કાશ્મીરના શુપિયા જિલ્લાના પશપોરા ગામમાં લગ્ન કર્યા હતા અને તેની દુલ્હનનું નામ રોમાના જહૂર છે. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો અને વીડિયોમાં રોમાના ખૂબ જ સુંદર લાગી રહી છે. એક વીડિયોમાં સરફરાઝ પોતાની બેગમનો ઘૂંઘટ ઉંચકી રહ્યો છે. તે બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, રોમાના અને સરફરાઝની પહેલી મુલાકાત દિલ્હીમાં થઈ હતી. અહીંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ. હકીકતમાં, રોમાના દિલ્હીમાં MScનો અભ્યાસ કરતી હતી, જ્યારે સરફરાઝ ખાનની પિતરાઈ બહેન તેની સાથે ભણતી હતી, રોમાના સરફરાઝની પિતરાઈ બહેન સાથે મેચ જોવા ગઈ હતી અને તેમની પહેલી મુલાકાત પછી તરત જ ક્રિકેટરે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

રોમાનાની બહેનના કહેવા પ્રમાણે, તેના પરિવારને આવો સંબંધ આવશે એવી અપેક્ષા નહોતી. સરફરાઝ ખાનનો પરિવાર પોતે જ આ સંબંધ રોમાના પરિવાર પાસે લઈને ગયા હતા. કહેવાય છે કે, 'જબ મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાઝી...'  સોનામાં સુગંધ ભળે તેમ, બંને પરિવારોએ સંબંધને મંજૂરી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાનો વતની સરફરાઝ સ્થાનિક ક્રિકેટમાં મુંબઈના અગ્રણી ખેલાડીઓમાંથી એક છે. તેણે ત્રેવડી સદી પણ ફટકારી છે અને તે સતત રન બનાવી રહ્યો છે. આશા છે કે, તે ગમે ત્યારે ટીમ ઈન્ડિયામાં આવી શકે છે. IPLમાં, તે દિલ્હી કેપિટલ્સનો એક ભાગ છે, જ્યારે તે વિરાટ કોહલીની કપ્તાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો છે.

લગ્ન પછી તેણે કહ્યું, હવે તો સંબંધ થઈ ગયો છે, જ્યારે પણ સમય મળશે ત્યારે કાશ્મીર આવતા જતા રહેશે. ખાને એક સ્થાનિક પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું કે, કાશ્મીરમાં લગ્ન કરવાનું નસીબમાં લખેલું હતું. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર આ બેટ્સમેને કહ્યું કે, જો અલ્લાહ ઈચ્છશે તો હું એક દિવસ ચોક્કસ ભારત તરફથી જરૂરથી રમીશ.

ક્રિકેટરની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp