18 કરોડથી તમે અનુભવ ના ખરીદી શકો, સેહવાગે સેમ કરન પર સાધ્યો નિશાનો

PC: sportsamaze.com

જ્યારથી પંજાબ કિંગ્સમાંથી નિયમિત કેપ્ટન શિખર ધવન ઈજાના કારણે નીકળી ગયો છે, ટીમ મેદાન પર મુશ્કેલીમાં દેખાઈ રહી છે. રવિવારે RCB તરફથી જીત માટે મળેલા 175 રનના ટાર્ગેટનો પીછો કરતા પંજાબની ટીમ 150 પર ઓલઆઉટ થઈ ગઈ. ધવનની અનુપસ્થિતિમાં કેપ્ટન બનેલો સેમ કરન બેટ અને બોલની સાથે જરૂરી પ્રભાવ છોડવામાં એકદમ નિષ્ફળ રહ્યો. તે 12 બોલમાં 10 રન બનાવીને આઉટ થઈ ગયો અને તેનાથી પૂર્વ દિગ્ગજ સેહવાગ ખૂબ જ નિરાશ દેખાયો અને તેણે કરન પર વાર કરવામાં કચાશ ના રાખી. સેમ કરન ગત વર્ષે થયેલી મેગા નિલામીમાં સૌથી મોંઘો ખેલાડી હતો અને તેને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેમાં બે મત નથી કે કરન આ ફોર્મેટના સૌથી સારા ઓલરાઉન્ડર્સ પૈકી એક છે પરંતુ, તે 24 વર્ષનો છે અને જ્યારે વાત ટીમના નેતૃત્વની આવી છે, તો ઉલ્લેખનીય છે કે તેની પાસે ધવન જેવો અનુભવ નથી.

RCB સામે મળેલી હાર બાદ સેહવાગે એક વેબસાઇટ સાથે વાતચીતમાં કરન પર નિશાનો સાધતા કહ્યું કે, 18 કરોડ રૂપિયાની ખરીદીથી અનુભવ નથી મળી જતો. તેણે કહ્યું કે, કરન આંતરરાષ્ટ્રીય ખેલાડી છે પરંતુ, તમે 18 કરોડ રૂપિયાથી અનુભવ ના ખરીદી શકો. આ અનુભવ ત્યારે જ આવે છે જ્યારે તમે રમતા હો અને જ્યારે આકરા તાપમાં તમારા વાળ સફેદ થતા હોય. સેહવાગે કહ્યું કે, આપણે વિચારીએ છીએ કે, જ્યારે કરનને 18 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે, તો તે તમારા માટે મેચ જીતશે, પરંતુ હજુ સુધી તેની પાસે અનુભવ નથી.

સેહવાગે તેની આઉટ થવાની ટેકનિક પર ફટકાર લગાવતા કહ્યું કે, તે ખૂબ જ ખરાબ રનિંગ હતું. તેણે આ રીતે રન લેવાની જરૂર નહોતી. તમે કેપ્ટન છો અને તમારે પિચ પર ટકી રહીને મેચને છેલ્લી ઓવર સુધી લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈતો હતો. પરંતુ, અનુભવ ના હોવાના કારણે તેને નુકસાન થયુ છે.

RCB સામે હાર બાદ પંજાબ કિંગ્સ છ મેચોમાં ત્રણ જીત અને એટલી જ હાર સાથે પોઇન્ટ ટેબલમાં સાતમાં નંબર પર સરકી ગયુ છે. જોકે, પંજાબ માટે હજુ પણ પ્લે-ઓફની આશા જીવંત છે પરંતુ, પંજાબ હવે એવી જ પ્રાર્થના કરી રહ્યું હશે કે શિખર ધવન જલ્દી પૂરી રીતે ફિટ થઈને ટીમ સાથે જોડાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp