સરફરાઝ સાથે અન્યાય, શું ડેબ્યૂ કર્યા વિના જ સમાપ્ત થઈ જશે કરિયર?

PC: sportstar.thehindu.com

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે અને ટેસ્ટ સીરિઝ માટે શુક્રવારે (23 જૂનના રોજ) ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. બંને સીરિઝમાં ભારતીય ટીમની કેપ્ટન્સી રોહિત શર્માના હાથોમાં છે. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર ભારતીય ટીમે 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 મેચોની T20 સીરિઝ રમવાની છે. T20 સીરિઝ માટે અત્યારે ટીમની જાહેરાત થઈ નથી. ટેસ્ટ સીરિઝ માટે અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને છોડીને મોટા ભાગના ખેલાડી ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે.

ટેસ્ટ સ્ક્વોડમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા યુવા ખેલાડીઓને પણ ચાંસ મળ્યો છે, પરંતુ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા મુંબઈના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનને ફરી એક વખત નિરાશા મળી છે. 25 વર્ષીય સરફરાઝ ખાન સતત ઘરેલુ ક્રિકેટમાં રન બનાવી રહ્યો છે. રણજી ટ્રોફીની ગત સીઝનમાં પણ તેણે રનોનો વરસાદ કર્યો હતો. ત્યારબાદ પણ તેને ટેસ્ટ ટીમમાં ન સિલેક્ટ કરવાનું થોડું આશ્ચર્યજનક છે, પરંતુ ઋતુરાજ ગાયકવાડને વન-ડે અને T20 પ્રદર્શનના આધાર પર ટેસ્ટ ટીમમાં જગ્યા મળી શકે છે તો સરફરાઝ ખાનને પણ તેના ઘરેલુ ક્રિકેટમાં પ્રદર્શનના આધાર પર ચાંસ મળી શકે છે.

આમ પણ ઋતુરાજ ગાયકવાડની ફર્સ્ટ ક્લાસ એવરેજ 42ની છે અને તેણે સરફરાઝની તુલનામાં એટલી મેચ પણ રમી નથી. સરફરાઝે અત્યાર સુધી 37 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3505 રન બનાવ્યા છે, જેમાં 13 સદી અને 9 અડધી સદી સામેલ છે. તેનો હાઈએસ્ટ સ્કોર નોટઆઉટ 301 અને એવરેજ 79.65ની છે. છેલ્લી 3 રણજી ટ્રોફી સીઝનમાં સરફરાઝની એવરેજ 100 કરતા ઉપરની જ રહી છે. એવામાં તેનું સિલેક્શન ન થવું ફેન્સને હેરાન કરે છે. સરફરાઝ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મુંબઈ માટે મિડલ ઓર્ડર રમે છે અને ભારતીય ટીમ માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

સરફરાઝને ન સિલેક્ટ કરવાને લઈને તર્ક આપવામાં આવે છે કે તેની ફિટનેસ સારી નથી અને તે ખૂબ મોટો છે. જો આ એક કારણ છે તો તેના પ્રદર્શન પર તેની કોઈ અસર થતી દેખાઈ રહી નથી. ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પણ એ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે કે જો તમને (સિલેક્ટર્સ)ને કોઈ પાતળો દેખાતો છોકરો જોઈએ છે તો કોઈ મોડલને શોધી લેવો જોઈએ કેમ કે સરફરાઝ તો પોતાની આ જ સ્થિતિમાં રનોનો પહાડ બનાવી રહ્યો છે.

સરફરાઝનો રેકોર્ડ:

37 ફર્સ્ટ ક્લાસ મેચ: 79.65ની એવરેજ, 3505 રન, 13 સદી, 9 અડધી સદી.

26 લિસ્ટ A મેચ: 39.08ની એવરેજ, 469 રન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp