આફ્રિદીનો લવારો- ભારતમાં થયો હતો પાકિસ્તાન ક્રિકેટ ટીમની બસ પર હુમલો

PC: crictoday.com

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ હાલમાં જ દાવો કર્યો છે કે, વર્ષ 2005માં બેંગ્લોરમાં ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચ જીત્યા બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમની બસ પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. શાહિદ આફ્રિદીએ હાલમાં જ પાકિસ્તાનમાં એક અન્ય પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રજ્જાક સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે એ દરમિયાન પાકિસ્તાનની ટીમ 3 ટેસ્ટ અને 6 મેચોની વન-ડે સીરિઝ રમવા માટે ભારતના પ્રવાસે આવી હતી. ટેસ્ટ સીરિઝ તો 1-1 થી ડ્રો રહી, પરંતુ વન-ડે સીરિઝ પર મહેમાનોને 4-2 થી કબજો કર્યો હતો.

વર્ષ 2005માં થયેલી એ ટેસ્ટ સીરિઝની પહેલી મેચ મોહાલીમાં રમાઈ હતી, જે ડ્રો રહી હતી. ત્યારબાદ ભારતીય ટીમે ઇડન ગાર્ડન્સના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટને 195 રનોના અંતરથી જીતને સીરિઝમાં 1-0થી લીડ બનાવી હતી. સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ બેંગ્લોરમાં રમાઈ હતી. જ્યાં પાકિસ્તાને ભારતને 168 રનોથી હરાવીને સીરિઝ ડ્રો કરાવી હતી. શાહિદ આફ્રિદીએ પોતાના નિવેદનમાં આ જ ટેસ્ટનો ઉલ્લેખ કર્યો છે. શાહિદ આફ્રિદીએ કહ્યું કે, એ અમારા માટે દબાવની ક્ષણ હતી.

અમે ચોગ્ગા અને છગ્ગા મારતા હતા અને કોઈ અમારા માટે તાળી વગાડતું નહોતું. અબ્દુલ રજ્જાકને યાદ હોય તો ત્યારે અમે બેંગ્લોરમાં ટેસ્ટ મેચ જીતી હતી તો અમારી બસ પર પથ્થરમારો થયો હતો. દબાવ હંમેશાં રહે છે અને તમારે એ દબાવનો આનંદ લેવો જોઈએ. પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડરે તેની સાથે એમ પણ કહ્યું કે, પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ 2023 માટે ભારત જાય અને જીતીને પાછું જવું જોઈએ. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અત્યાર સુધી એ સુનિશ્ચિત કર્યું નથી કે તેની ટીમ વર્લ્ડ કપ 2023 રમવા ભારત આવશે કે નહીં.

એવામાં ઘણા પૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાનને વર્લ્ડ કપ 2023નું બૉયકોટ કરવા માટે પણ કહ્યું છે. તેમણે આગળ કહ્યું કે, લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાને વર્લ્ડ કપ માટે ભારત ન જવું જોઈએ, બૉયકોટ કરવું જોઈએ. પરંતુ હું તેની એકદમ વિરુદ્ધ છું. મને લાગે છે કે, આપણે ત્યાં જવું જોઈએ અને મેચ જીતવી જોઈએ. શાહિદ આફ્રિદીના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે પાકિસ્તાન માટે 27 ટેસ્ટ, 398 વન-ડે અને 99 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે ક્રમશઃ 1716, 8064 અને 1416 રન બનાવ્યા છે, જ્યારે તેણે ટેસ્ટમાં 48, વન-ડેમાં 395 અને T20 ઇન્ટરનેશનલમાં 98 વિકેટ પોતાના નામે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp